Friday, September 26, 2014

રેશનાલિઝમ: વળી એક વધુ કટ્ટર સંપ્રદાય?

આશરે વીશેક વર્ષ પહેલાંની વાત છે. રાજકોટમાં રેશનાલિસ્ટોનું એક અધિવેશન યોજાયું છે. ગુજરાતભરમાંથી સારા સારા વિચારકો આવ્યા છે. સામાન્ય રીતે આપણે ત્યાં કોઇ પણ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટ્ય સાથે થતી હોય છે આ એક ઔપરાચિકતા છે, પણ આ તો રેશનાલિસ્ટોનો કાર્યક્રમ છે આમાં દીપ પ્રાગટ્ય કરાય? તો તો ઘોર અનર્થ થઈ જાય! એટલે પછી કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોનું સ્વાગત એક ગુલાબનું ફૂલ આપીને કરવામાં આવે છે. શ્રોતાઓમાં બિરાજમાન કટ્ટર રેશનાલિસ્ટોમાં ચણભણ થાય છે, ’રેશનાલિઝમમાં ફૂલ આપીને સ્વાગત કરી શકાય ખરું?’

        કોઇ પણ કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોનું સ્વાગત કરવું એ માત્ર સંસ્કૃતિ જ નહીં પણ ભાવના સાથે પણ જોડાયેલ છે. (આ સંસ્કૃતિ શબ્દ સામે વળી કોઇ રેશનાલિસ્ટને વાંધો નહીં પડે ને?) અને સામાન્ય રીતે પુષ્પનો હાર પહેરાવીને અથવા પુષ્પગુચ્છ આપીને તો અમુક જગ્યાએ સુતરની આંટી પહેરાવીને મહેમાનોનું સ્વાગત કરવાની પરંપરા છે. (’પરંપરા’! વધુ એક ઘોર અનર્થકારી શબ્દ! હે માં! (હે પ્રભુ તો ના બોલાય!) ડગલેને પગલે આવતી આ અડચણો વચ્ચે હું આ લેખ પૂરો કઈ રીતે કરીશ?) દીપ પ્રગટ્યમાંથી ધાર્મિકતાને થોડીવાર સાઇડમાં મૂકી દઈએ તો કોઇ પણ કાર્યક્રમની શરૂઆતમાં, (શારીરિક રીતે તો)  સભાખંડમાં બેઠેલા પણ શેરબજારથી માંડીને સંસદ ભવન સુધી ભટકતા આત્માઓને સભાખંડમાં પરત લાવીને એમનું ધ્યાન મંચ તરફ કેન્દ્રિત કરવું જરૂરી છે અને એના માટે કોઇક ઔપચારીક વિધી કરવી પડે તો પછી દીપ પ્રાકટ્ય શા માટે નહીં? દીવો હિન્દુ ધર્મ સાથે જોડાયેલ છે એટલા કારણથીજ અસ્પૃશ્ય થઈ જાય?

        Rational શબ્દનો અર્થ ગુજરાતી લેક્સિકોનમાં આ મુજબ છે, સમજશકિતવાળું, વિચાર શકિત ધરાવતું બુદ્ધિગમ્ય, બુદ્ધિશાળી, બુદ્ધિસંપન્ન, વિચારશકિતવાળું. સરસ વાત છે, જોવા જઈએ તો રેશનલ હોવું એ ખરેખર વ્યક્તિગત, સમાજ માટે અને કુટુંબ માટે બહુ સારી અને હિતકારી વાત છે. પણ જે હાલત આ રાજકારણીઓએ ભારતના સેક્યૂલારિઝમની કરી છે લગભગ એજ દશા રેશનાલિઝમની આજના બની બેઠેલા અધકચરા રેશનાલિસ્ટોએ કરી છે એવું કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી. આજકાલના કહેવાતા રેશનાલિસ્ટો રેશનાલિઝમને માટીના પીંડાની જેમ કુંભારને ચાકડે ચડાવીને પછી પોતાને અનુકૂળ આવે એવા અર્થનો ઘાટ ઘડી નાખે છે! પૂજાપાઠ કે મંત્રતંત્ર અને અંધશ્રદ્ધા સામે રેશનાલિસ્ટોને વાંધો હોય એ સમજી શકાય છે પણ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં રેશનાલિઝમ ઉપર ક્યું આભ તૂટી પડતું હશે એ મને આજે પણ નથી સમજાયું! આ તો અદ્દલ પેલી વાત જેવું થયું કે નાની અમથી બાબતોને કારણે લોકોને લાગવા માંડે છે કે “ફલાણા ઢીકણા ધરમ ખતરે મેં હૈ…” એમ એક માસૂમ ફૂલને કારણે આખું રેશનાલિઝમ ખતરામાં પડી જાય!

        વીવેકપંથી નામનું સુંદર વિચાર પ્રેરક મેગેઝીન ચલાવતા ગુલાબભાઇ ભેડાએ રેશનાલિસ્ટનાં બત્રીસ લક્ષણો ગણાવ્યાં છે, એમાંનાં કેટલાંક જોઇએ તો..
  • જન્મથી જ જીવન શરૂ થાય છે અને મૃત્યુથી પૂર્ણ થાય છે; એની આગળ કે પાછળ કશુંજ નથી હોતું એવી દ્રઢ માન્યતા.
  • જીવન નિર્ભેળ, નિર્બંધ અને મુક્ત આનંદ માટેજ છે એવી સ્પષ્ટ અનુભૂતિ.
  • તારાઓ નક્ષત્રો, ગ્રહો વિશે કૂતુહલ, પણ માનવ પર એની અસર માનવાનો ઈન્કાર.
  • ચિંતનશીલ પણ ચિંતાઓથી દૂર.
  • વ્યક્તિ, વાત અને વસ્તુનું તટસ્થ રીતે વિવેકબુદ્ધિથી મૂલ્યાંકન કરી જાણે.
  • જિદી ખરો પણ જડ નહીં.
  • નિંદા અને ખુશામતથી પર.
  • પ્રતિસ્પર્ધી જરૂર બને પણ કોઇને પાડી દેવાની વૃતિ નહીં.
  • તાર્કિક દલિલો ભરપૂર કરે પણ વિતંડાવાદથી દૂર રહે.
  • કોઇ પણ સુધારો સ્વીકારવા તત્પર

વગેરે..વગેરે..

        આ બધી તો બહુ સરસ વાતો છે, એની સામે કોઇને વાંધો શા માટે હોઇ શકે? તો પછી રેશનાલિઝમ અને રેશનાલિસ્ટ આજે આટલા અળખામણા કેમ થયા છે? રેશનાલિઝમ જેવી સુંદર વિચારધારાને નૂકશાન કઈ કઈ બાબતોએ કર્યું છે એ સમજવાની કોશિશ કરીએ.

  • ટૂંકી દ્રષ્ટિ: રેશનાલિઝ્મ એટલે કે વિવેકબુદ્ધિવાદ, જ્યાં વિવેકબુદ્ધિથી વિચારવાની વાત હોય ત્યાં કદી ટૂંકી દ્રષ્ટિ સંભવે ખરી? આમ જોવા જઈએ તો બન્ને સામા છેડાની વાત છે, પણ આજકાલના રેશનાલિસ્ટોએ આ દિવસ અને રાતને ભેગા કરી દેવાનું શક્ય કરી દેખાડ્યું છે! કોઇ પણ સામાજિક કે રાજકિય ઘટના બને એટલે એના સંદર્ભે આવનારા વર્ષોમાં આવનારા એનાં પરિણામો અને સ્પર્શતાં અન્ય પરિમાણો અંગે જરીકે લાંબું વિચાર્યા સિવાય, ’ભમ’ દઈને પોતાનો કહેવાતો ’રેશનલ’ અભિપ્રાય ફેંકી દેવાનો! પોતાના પગના પંજાથી આગળનું જોવાનુંજ નહીં! આજકાલના સમયની વિંટબણા કહો તો વિટંબણા એ છે કે આજના સમયમાં આવી ઉલટીઓ કરવા માટે સોશ્યલ મીડિયા એ હાથવગું સાધન છે.
  • જડતા: વળી પાછો આ બીજો એવો શબ્દ છે રેશનાલિઝમમાં તદ્દન સામેના છેડે જ આવે, પણ આજકાલ પોતાને રેશનાલિસ્ટ તરીકે ઓળખાવતા લોકોમાં આ ભરપૂર જોવા મળે છે. સાચું રેશનાલિઝમ કદી ભૂલનો સ્વીકાર કરવામાં રોકતું નથી. ભૂલ કોઇનાથી પણ થઈ શકે છે. ઉતાવળે અભિપ્રાય અપાઈ જાય એવું બની શકે અને કોઇ ક્ષતિ તરફ આંગળી ચીંધે ત્યારે ભૂલ સુધારવામાં અને અફસોસ વ્યકત કરવામાં પાછો ના પડે એ સાચો રેશનાલિસ્ટ. પણ વો દિન કહાં?
  • અહંકાર: તર્કબદ્ધ ચર્ચા વિતંડાવાદમાં પરિણમવા પાછળનું કારણ મોટાભાગે ’તારા કરતાં હું વધારે જાણું છું’ એવો અહંકાર હોત છે. પરિણામે ચર્ચામાંથી તર્કની બાદબાકી થઈ જાય છે અને શરૂથાય છે ગાળાગાળી અને રચાય છે સામે વાળાને હલકો દેખાડવાની શાબ્દિક માયાજાળ! (અલબત્ત, એ વાત અલગ છે કે સામેવાળાને હલકો દેખાડવાની આ વૃત્તિ વ્યક્તિને ખુદને પતનની ગર્તામાં લઈ જાય છે.)
  • પૂર્વગ્રહિત માનસિકતા: સામાન્ય રીતે એવું જોવાઈ રહ્યું છે કે આજકાલ પોતાને રેશનાલિસ્ટ તરીકે ઓળખાવતા લોકો કોઇને કોઇ ગ્રંથિથી ગ્રસિત છે. અમુક લોકો જકડીને એવી ગાંઠ વાળીને બેઠા છે કે જે કાંઇ પરંપરાગત છે એ બધુંજ ખરાબ છે, તો અમુક લોકોની દ્રષ્ટિએ જે કાંઈ ભારતીય અને ભારતીય સંસ્કૃતિને લગતું છે એ માત્ર ઘેટાંઓને માટેજ છે! કેટલાક લોકો પોતાના રાજકિય પૂર્વગ્રહોને લઈને રેશનાલિઝમમાં ઘુસેલા છે, જેઓનું માનવું છેકે આજે દેશની એકતા અને અખંડિતતા સામે સૌથી મોટો ખતરો હિન્દુત્વવાદી કોમવાદનો છે! (રાહુલ ગાંધી આવું કહ્યાનું વિકિલિક્સે કદાચ ૨૦૧૧ કે ૨૦૧૨માં કહ્યું પણ આવું બેશર્મ અને નફ્ફટ સ્ટેટ્સમેન્ટ લલિત નગરશેઠ નામના એક ’મહાન’ રેશનાલિસ્ટનું છે જે ’વીવેકપંથી’ના વિશેષાંકમાં ૫૬મા પાને છપાયેલું છે!)
રેશનલ વ્યક્તિએ છે જે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને વાતનું મૂલ્યાંકન કરે છે પણ અહીં તો એવું છે કે બોલનારનાં કપડાંનો રંગ જો અમુક તમુક હોય તો એની વાત ખોટી અને પરંપરાવાદી તથા અંધશ્રદ્ધા વધારનાર છે એવું આજના ધધૂપપૂ રેશનાલિસ્ટો પહેલેથીજ નક્કી કરી નાખે છે!

બીજી એક વિચિત્ર પ્રજાતિ રેશનાલિઝમમાં ઘુસેલી જોવા મળે છે જે રેશનાલિઝમના નામે વર્ણવ્યવસ્થાને કારણે સમાજના એક વર્ગને જે સહન કરવું પડ્યું છે એને યાદ કરી કરીને સતત સમાજના અમુક ચોક્કસ વર્ગને ઉદ્દેશીને ભાંડણલીલા ચલાવતા રહે છે, યાદ રહે, અત્રે એવું બિલકુલ પ્રસ્થાપિત કરવાનો ઈરાદો નથી કે વર્ણવ્યસ્થા બહુ સારી હતી કે કોઇને કશો અન્યાય થયો નથી, કહેવું માત્ર એટલું છે કે અહીં પણ અમુક લોકો વિવેકબુદ્ધિને અલવિદા કરી, માત્ર પૂર્વગ્રહિત માનસિકતા લઈનેજ બેઠા છે જે રેશનાલિઝમની ઘોર ખોદે છે!

ટૂંકમાં આજકાલ રેશનાલિઝમને નામે જે કાંઈ જોવા મળે છે એ જોતાં લાગે છે કે રેશનાલિઝમ નામના એક નવા કટ્ટર સંપ્રદાયનો ઉદય થયો છે. એવો કટ્ટર સંપ્રદાય કે જે પોતાના વિચારો રાખે અને કોઇ વિરોધ કરે તો એને મૂર્ખ, ઘેટાં, ગધેડા જેવા શબ્દો વડે અપમાનિત કરીને હડધૂત કરી કાઢવાના અને જે હઈશો હઈશોમાં જોડાઈ જાય એ બધા મહાજ્ઞાની! ટૂંકમાં કટ્ટર ધાર્મિક સંપ્રદાયોની જેમજ, પોતાના વાડામાં ઊંધું ઘાલીને હાજીહા કરવા વાળાં ઘેટાંઓ ભેગાં કરવાની વૃત્તિ. આ પ્રકારના રેશનાલિસ્ટો ચામાચીડિયાની જેમ ઝાડ પર ઊંધા લટકે અને પછી બૂમાબૂમ કરી મૂકે કે “જુઓ જુઓ…હું નહોતો કહેતો કે દુનિયા ઊંધી છે!”

ચુસ્ત હિન્દુ, ચુસ્ત મુસ્લીમ, ચુસ્ત સ્વામિનારાયણ, ચુસ્ત જૈન, ચુસ્ત વૈષ્ણવ ની જેમ હવે ચુસ્ત રેશનાલિસ્ટ શબ્દો સાંભળવા મળે તો નવાઈ નહીં લાગે….

ઊંબાડિયું:
સામાન્ય રીતે કોઇનું અવસાન થાય તો એને ’ફલાણા ઢીકણા સ્વર્ગસ્થ થયા છે’ એમ કહેવામાં આવે છે, પણ જો મરનાર ચુસ્ત રેશનાલિસ્ટ હોય તો શું કહેવાય?

’ફલાણા ઢીકણા તર્કસ્થ થયા છે!”

(નોધ: લખનાર પોતે રેશનાલિઝમને સારી રીતે સમજી ગયા  છે એવો અહીં કોઇ દાવો નથી, લેખક રેશનાલિઝમને સમજવાની કોશિશ કરે છે એમ કહી શકાય.)
લખ્યા તારીખ: ૨૬.૦૮.૨૦૧૪

2 comments:

  1. મુકુલદા'
    આ રેશનલ્સ ને પોતાની વિચારધારા સાબિત કરવા સુધીજ રેશનાલીઝમ છે,એમની સાથે સંમત ન થનાર ફક્ત કોમવાદી છે, ધર્માન્ધ છે,લાગણીશૂન્ય છે,
    જો દરેક વાતમાં રેશનલ રીતે વિચાર કરે તો કપડાં પહેરવાની પણ કોઈ જરૂર નથી,ફક્ત લંગોટી ચાલે પણ એ બધા જ ડિઝાઈનર કપડાં પરત દેખાશે,તેઓ લગ્નસંસ્થામાં માનતા નથી પરંતી એમના સંતાનોને કાયદેસરના લગ્ન સિવાય છૂટ આપશે નહિ,
    જીવનના તર્કબદ્ધ અભિગમ માટે કોઈ specific નિયમોની જરૂર નથી,જે વાત તર્કપૂર્ણ ન લાગે તે ન માનવી,પણ બીજાની માન્યતાઓને રોકવી એ કઈ એમનો ધંધો નથી,

    ReplyDelete
  2. 🙏 નમસ્કાર બંધુ

    ReplyDelete