Thursday, November 10, 2011

જાદુઈ લાકડી(સરકારી)


   થોડા દિવસ પહેલાં તા ૧૬મી સપ્ટેમ્બરના રોજ અમે આ જગ્યાએ એક નોટ લખી હતી અને ગરીબી દૂર કરવાની એક જાદુઈ ફોર્મ્યુલા બતાવી હતી, અમારો આ આઈડિયા ચોરી (શું થાય યાર, એક તો આપણે પેટંટ નો’તો લીધો ને હવે ફરિયાદ કરીએ તો આપણા જેવા નાના માણસનું સાંભાળે કોણ?)  ને એના ઉપરથી ભારત સરકારના આયોજન પંચે જાદુઇ ચિરાગની જગ્યાએ જાદુઈ લાકડી નો આવિસ્કાર કર્યો છે  ( આમે ય સરકારને ડંડા સાથે નાતો પુરાણો છે, પૂછો બાબા રામદેવને!) ને એ જાદુઈ લાકડી એવી તો ફેરવી કે રાતો રાત આખા દેશમાંથી ગરીબી મહદઅંશે દૂર થઈ ગઈ છે.

            ગઈ કાલે આયોજન પંચે સુપ્રિમકોર્ટમાં એક સોગંદનામું કરી ને જણાવ્યું છે કે આ દેશમાં શહેરી વિસ્તારમાં રહેનાર જો રોજના રૂપિયા ૩૨ ખર્ચી શકતો હોય અને ગ્રામ્ય વિસ્તારમાં રહેનાર રૂપિયા ૨૬ ખર્ચી શકે તો એ ગરીબી રેખાની ઉપર છે! આયોજન પંચનો ઈરાદો તો આનથી યે નેક હતો, ગરીબીને આ દેશમાંથી જડમૂળમાંથી નેસ્તનાબુદ કરવાનો હતો  એટલે જ એણે આ જ વર્ષની ૧૪મી મે ના રોજ આવું એક સોગંદનામું દાખલ કરીને આ ગરીબીરેખાને શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આ ગરીબી રેખા ની ઉપર આવવા માટેની જે ખર્ચની સીમા શહેરી અને ગ્રામ્યવિસ્તારમાં  અનુક્રમે રૂપિયા ૨૦ અને રૂપિયા ૧૫ રાખેલ, પણ સુપ્રિમ કોર્ટ જેને કહેવાય, આ દેશના ગરીબોને ઉપર આવવાજ નથી દેવા! ગરીબોને મસ્તક ઊંચું કરીને શાનથી જીવવાજ નથી દેવા! આ સુપ્રિમ કોર્ટ પણ એને ન કરવાના એવા કેટ કેટલાં કામ કરે છે, સરકારે બિચ્ચારીએ આતંકવાદીઓ કરતાં પણ આ દેશને માટે (એટલે કે અમૂક લોકોને માટે!) ખતરનાક એવા બાબા રામદેવને સત્યના માર્ગે લાવવામાટે, સૂતા હતા ત્યારે લાકડીના બે-ચાર હળવા ગોદા મારીને જગાડવાની કોશીશ કરી ’તી તો એમાંયે સુપ્રિમ કોર્ટ પૂછે કે કે બાબાને પહેલેથી જ પુરૂષો માટેના વસ્ત્રોની વ્યવસ્થા કરીને પછી જગાડાયને! ને શેરી ગલીઓમાં આરામથી પતાવટ થઈ જાય એવા કેટકેટલા મામલામાં આ સુપ્રિમ કોરટ વાળા ઘોંચ પરોણા કરે છે.(પૂછો નરેન્દ્ર મોદીને!) એટલે આ મે મહિના વાળી વાત તો સુપ્રિમે માન્ય રાખી હોત તો, વિશ્વના નકશા ઉપર આ ભારતવર્ષ પહેલો એવો દેશ હોત જ્યાં ગરીબી શબ્દ, શબ્દકોશમાંથી નાબુદ થઈ ગયો હોત (ને આ શબ્દ બોલનાર ઉપર એટ્રોસીટી લાગી જાત!) પણ ખેર, કહેવાય છે ને કે ગરીબના નસીબ પણ ગરીબ બીજું શું!

            આ લોકો એટલે કે આયોજન પંચ વાળા કેટલા બધા સરળ અને નિખાલસ માણસો છે નહીં? એમણે આ બત્રીસ રૂપિયા વાળું કેલ્ક્યુલેશન કરવા માટે પણ કોઈ અટપટી ફોર્મ્યુલા નહીં વાપરતાં કેટલી બધી સરળ ગણતરી ધ્યાનમાં લીધી છે કે સામાન્ય માણસને પણ ગરમા ગરમ શીરાની જેમ ગળે ઉતરી જાય! (માફ કરજો આ ૩૨ રૂપિયામાં શીરાનું ઉદાહરણ આપવું પણ પોસાય  કે નહીં એ આગળ વિચારવું પડશે!) એક માણસને જીવવા માટે એક દિવસમાં અમૂક તમુક કેલેરી જોઇએ અને એટલી કેલેરી મેળવવા મારે નો રોજનો અમુક ખર્ચ આવે…વાહ, કેટલી સીધીને સરળ વાત છે!

            એટલું જ નહીં, આ બત્રીસ રૂપિયામાંથી એક એક પૈસાનો હિસાબ સમજાવ્યો છે, જેમકે એમણે કહ્યું છે કે રોજના ખાવા ઉપર રૂપિયા સાડાપાંચ ખર્ચવા એ તંદુરસ્ત રહેવા માટે પૂરતું છે, વાહ ..વાહ…કેવા ઉચ્ચ વિચાર! લોકોની કેટલી બધી કાળજી છે! અને અહીં આધ્યાત્મિકતા પણ જોઇ શકાય છે, ગાંધીજીની એ પ્રબોધેલ અપરિગ્રહની ભાવના પણ સમાયેલ છે, રોજ એક કેળું (ને ક્યારેક અરધું) ખાઇ ને પાણી પીને સુઇ જવાનું! જો ક્યારેક ચેન્જની ઈચ્છા થાય તો ૧૦૦ ગ્રામ ભીંડા અથવા ૨૦૦ ગ્રામ ટામેટા (અલબત્ત કાચા જ) ખાઈ શકાય! એમતો અહીં રોજના ૧.૦૨ પૈસાની કઠોળની પણ જોગવાઈ છે, એટલે આજના ભાવે રોજ લગભગ દોઢ ગ્રામ તો આવીજ જાય..એક કેળાંનું ભોજન લીધા પછી મુખવાસ તરીકે તો લઈજ શકાય! (કોઇ કહેશે, ધાણા દાળની પડીકીમાં કેટલી ધાણા દાળ આવે છે?) ને જો દાળ બનાવીને ખાવાની લકઝરીની ઇચ્છા હોય તો બે ત્રણ મહિના રાહ ક્યાં નથી જોવાતી! વાંકદેખાઓને જ્યાં ત્યાં સરકારનો વાંક જ દેખાય છે પણ એ નથી જોતા કે સરકારને લોકોનું કેટલું હિત હૈયે વસેલું છે અને એટલે જ ખાંડ ઉપર સિત્તેર પૈસા રોજની ગણતરી આપી છે એટલે લગભગ ૩૫ રૂપિયે કિલો ગણીએ તો યે રોજની વીસ ગ્રામ થાય….આજે ડાયબિટીસનું પ્રમાણ કેટલું  વધી ગયું છે એ તો જુઓ, પછી સરકારના ઇરાદાને એની સાથે જોડી જુઓ!

            શિક્ષણ ઉપર મહીના ના ૨૯ રૂપિયા અને ૬૦ પૈસા પૂરતા છે એમ આયોજન પંચનું વિનમ્રપણે માનવું છે(વાંક દેખાઓ અહીં પણ પાઠ્યપુસ્તક, નોટબુક, પેન્સિલ, રબ્બર, કંપાસ વગેરે વગેરે વગેરેની વાતો વચ્ચે લાવ્યા વિના રહેશે જ નહીં એની મને ખાતરી છે!) તમે હકારાત્મક રીતે વિચારી ને સરકારની ઉદારતા તો જુઓ કે એ એક મહીના ના રૂપિયા ૯.૬૦ બૂટ-ચપ્પલ ઉપર ( સસ્તામાં સસ્તા જોડા પણ જો ૩૦૦ રૂપિયાના ગણીએ તો પણ લગભગ દર ત્રણ વર્ષે નવી જોડી ખરીદી શકાય!) ખર્ચવાની લકઝરી ભોગવે એને પણ ગરીબ માનવા તૈયાર નથી!

            આમ અહીં લોકોને ગરીબી રેખાની ઉપર લાવવા માટે આયોજન કમિશને બહુ ઝીણું કાત્યું છે લોકોની જરૂરિયાતની એકે એક બાબત ઉપર ધ્યાન દીધું છે,બધી જ ગણતરી આપી છે, કપડાં, દવા, બળતણ, અન્ય પરચુરણ ખર્ચ દરેક દરેક જ્ગ્યાએ એટલી બધી મહેનત કરીને પાઈ પાઈ નો હિસાબ કરીને આંકડા ગોઠ્વ્યા છે કે કોઈ જ ગરીબી રેખાની નીચે ના રહે, વાંકદેખાઓ તો એમ પણ કહેશે કે આમા કફ્ન ના, બાળવાના લાકડાના વગેરે ના આંકડા ક્યાં? પણ શું બધું જ સરકારે જ કરવાનું? પછી એટલું તો આપણે કરવું જોઈએ ને?

            છેલ્લે: એક જૂનો જાણીતો ચવાઈને ચૂથ્થો થઈ ગયેલો પણ અહીં પ્રસ્તુત છે એવો જોક:
            “સાહેબ…નદીમાં પાણીની સપાટી વધતી જ જાય છે…પાણી ખતરાના ના નિશાનને વટાવી ગયું છે!”
            “ તો જલદીથી એ નિશાન ને વધારે ઉપર લઈ લો!”
Wednesday, 21 September 2011



No comments:

Post a Comment