Thursday, November 10, 2011

જાદુઇ ચિરાગ!


     કાળઝાળ મોંઘવારીથી પીડિત જનતા માટે આજે એક બહુ જ સારા સમાચાર આવ્યા છે , હવે ડરવાની જરૂર નથી, ભલે પેટ્રોલના ભાવ રૂપિયા પાંચ હજાર એક લિટરના થઈ જાય કે પછી એક લિટર દૂધના રૂપિયા હજાર! ગમે તેવા ભાવ વધારાને પહોંચી વળાય એવી એક ફોર્મ્યુલા હાથ લાગી છે, ભારતમાં હવે કોઈ જ ગરીબ નહીં રહે, ને ગરિબીની રેખાને કુત્તુબ મિનાર જેટલી ઊંચાઇએ લઈ જવી પડે એવી હાલત સર્જાય એમ છે, શ્રાવણ મહિનામાં જો તમારે દાન કરીને પુણ્ય કમાવું હશે તો ભીખારીના પણ પ્રિમિયમ બોલાતા હશે કેમ કે ભીખારી નામની પ્રજાતી લગભગ લુપ્ત થઈ જવાના આરે હશે!

     તમને એમ થશે કે આ બધી આ કળિયુગ પછી આવનારા સતયુગની વાતો છે તો ના એવું નથી, તમારા હાથમાં છે તમે ધારો તો આ દિવસો એક અઠવડિયામાં પણ આવી શકે એમ છે, બસ શરત ફક્ત એટલી છે કે....

     ચાલો આ બધી વાત કરતાં પહેલાં આજે આવેલા બીજા એક સમાચાર ઉપર નજર નાખી લઈએ, આજે આપણા કેટલાક મંત્રી મહોદયની સંપત્તિના આંકડા જાહેર કરવામાં આવ્યા છે, ૨૦૦૯ માં ચૂંટણી લડતી વખતે એમણે જાહેર કરેલી સંપત્તિ અને આજે એમની જે સંપત્તિ છે એ. આંકડાઓ અદ્‌ભૂત છે, જાણીને આનંદ થાય એવા છે તો આપને એક નજર નાખીએ એ ૨૦૦૯ના આંકડા  ને આજના આંકડા ઉપર,

     આમાં સૌથી ટોપ ઉપર છે ડી એમ કે ના શ્રી( ના..ના રાજા ને તો આમાં ગણતા જ નથી એ તો વિશ્વવિક્રમ ધારક છે, એની તો અલગ કેટેગરી આવે!) ડૉ. એસ. જગતશેખરન્‌ જેમની સંપત્તિ ૨૦૦૯માં ૫.૯ કરોડ હતી ને આજે છે ૭૦ કરોડ એટલે લગભગ ૬૪ કરોડનો વધારો બે વર્ષમાં! ( ટકાવારીમાં આ ગ્રોથ કેટલો થાય એ કોઈ ગણી ને મને કહેશે?) એના પછીના ક્રમે આવે છે એન સી પીના પ્રફુલ્લ પટેલ, જે બેતાલીસ કરોડના વધારા સાથે ૭૯.૮ કરોડથી પહોંચ્યાછે ૧૨૨ કરોડે, કોંગ્રેસના કમલનાથે ૧૪ કરોડના આંકડાને ઉલ્ટો કરી ૪૧ કર્યા છે એટલે કે બે વરસમાં ૩૬ કરોડનો ચોખ્ખો વધારો! આ રીતે કુલ ૭૭ પ્રધાનોના આંકડા જોવા કરતાં આપણે ટૂંકમાં જોઈએ તો એવરેજ બધા મંત્રીઓની સંપત્તિ જે ૨૦૦૯માં ૭.૩ કરોડ હતી તે આજે છે ૧૦.૬ કરોડ, એટલે કે એવરેજ ૩.૩ કરોડનો વધારો!( જય હો સોનિયા મૈયા કી, જય હો એમ એમ એસ કી!) એક બહુ જ અગત્યની બાબત, આ સંપત્તિમાં ક્યાંય સ્વિસ બેન્ક વાળા આંકડા જોડેલ નથી એની લાગતા વળગતાઓ એ નોંધ લેવી!

     હવે પાછા મૂળ વાત ઉપર આવીએ તો તકલીફોનો અંત નજીક છે,કાલી રાત વિતવામાં છે ને સોનાનો સૂરજ ક્ષિતિજ ઉપર ઉગવાની તૈયારીમાં છે એને ઉગવા દેવો કે નહીં એ તમારા જ હાથમાં છે, તો લો તમે બધા હવે મને મારવા દોડો એટલુ મોણ નાખ્યા પછી સફળતાનો મંત્ર કહી દઉં...તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે રોકાણ નો એ સ્રોત શોધી કાઢવાનો જ્યાં આ બધાજ મંત્રીઓએ રોકાણ કરીને આ બે વર્ષમાં જ આટલું જંગી વળતર મેળવ્યું છે!

     ( એ...એ... બુટ નહીં ...બુટનહીં...વાગી જાય યાર! ફેંકવા હોય તો ચપ્પલ ફેંકો ને એ પણ નાના સાત વર્ષ ના બાળકના (મારા દિકરાના તૂટી ગયા છે એટલે) સમજો યાર....!)
Friday, 16 September 2011

1 comment:

  1. jabardast saheb and very true...

    ReplyDelete