“ અબે સાલે….તેરી તો….ઇતની દેર? વિસ્કી લાને અમરીકા ગયા થા કી યુરોપ?...” અને એક પ્રચંડ ગાળ સાથે ગ્લાસ જમીન પર પછડાઇને ટૂકડા ટૂકડામાં વિખેરાઇ ગયો. સપના બારના બધા વેઇટરોના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું અને કામમાં હોવાનો ડોળ કરતા બધા આઘાપાછા થઈ ગયા. કાઉન્ટર ઉપરથી મેનેજર જગજીત ઉર્ફે જગ્ગી દોડતો આવ્યો અને ધ્રૂજતો ધ્રૂજતો બે હાથ જોડીને અસ્લમભાઇને સામે ઊભો રહ્યો, બીજા ગ્રાહકો હવે શું બને છે ની ઉત્સુકતા સાથે એ ખૂણાના ટેબલ બાજુ નજર માંડીને બેઠા.
ગ્રાન્ટરોડ સ્ટેશનથી દોઢેક કીલોમીટરના અંતરે બદનામ બસ્તીથી નજીક આવેલ સપના બાર, અને એ ’સી’ ગ્રેડના સપના બારના પશ્ચિમ બાજુના ખૂણામાં આવેલું ટેબલ એ અસ્લમભાઇની રોજની બેઠક હતી. સાંજે સાત થી દશ સુધી અસ્લમભાઇનો તમામ કારોબાર અહીંથી જ ચાલતો. સાંજે સાડા છ વાગ્યા પછી કોઇ પણ ગ્રાહક એ ટેબલ પર ન બેસે એની જગજીત ખાસ કાળજી રાખતો અને જો કોઇ ગ્રાહક એ ટેબલનો આગ્રહ રાખે તો સાત પહેલાં કોઇપણ સંજોગોમા ખાલી કરી આપવાની શરત સાથે એ ટેબલ આપવામાં આવતું; કેમકે સાતથી સવા સાતની વચ્ચે ગમે ત્યારે અસ્લમભાઇ અને એના ટપોરીઓ ગણપત અને અબ્દુલની બારમાં દરરોજ અચૂક એન્ટ્રી થતી, એની એન્ટ્રી થતાં જ બાર મેનેજર જગ્ગી અને બધા જ વેઇટર એટેન્શનમાં આવી જતા. અસ્લમભાઇ અને એના રાહુ-કેતુ પોતાના ખાસ ટેબલ ઉપર ગોઠવાતા અને મોબાઇલ ઉપર ધંધાની શરૂઆત થતી, એ દરમ્યાન વધુમાં વધુ દશ જ મિનિટમાં અસ્લમભાઇના ટેબલ ઉપર એની પસંદગીની વિસ્કી અને બાઇટીંગ વગર ઓર્ડરે હાજર થઈ જવાં જ જોઇએ એવો વણલખ્યો કાનૂન હતો, અને એ કાનૂન જો તૂટે તો શું થાય એનો મેનેજર જગ્ગી અને જૂના વેઇટરોને અનુભવ હતો પણ શકૂર બિચારો આજ સવારથી નોકરી પર લાગેલો અને અસ્લમભાઇના ટેબલ સુધી વિસ્કી લઇને જતાં વચ્ચે એક ગ્રાહકનું ટેબલ સાફ કરવા રોકાયો અને દશને બદલે પંદર મિનિટ થઈ ગઇ, બસ ખલ્લાસ….અસ્લમભાઇ નામના ગેંડાનો પિત્તો છટકી ગયો!
આમતો અસ્લમભાઇને ગેંડા કે પછી કોઇ પણ પ્રાણીની ઉપમા આપવામાં આવે તો સમસ્ત પ્રાણી જગત બદનક્ષીનો દાવે માંડે એવું એનું ચરિત્ર હતું. નરાધમ કે નરરાક્ષશ શબ્દો પણ એના માટે વાપવરવામાં આવે તો એનું સન્માન કર્યુ હોય એટલા ટૂંકા પડતા હતા! સાડાપાંચથી પોણા છ ફૂટ વચ્ચેની ઊંચાઇ ને કદાચ એક્સો-એકસો દશ કીલો જેટલું વજન, અંધારામાં સામો મળે તો એકલા દાંત જ દેખાય એટલો ઉજળો વાન! ચહેરા, હાથના કાંડા અને ખભા પર ઘાવના નિશાન ( અને એ નિશાન એ પોતાના સાથીઓને અવારનવાર એટલા ગૌરવથી બતાવતો જેમ કોઇ લશ્કરનો જવાન પોતાની છાતી ઉપરના મેડલ બતાવતો હોય!) અને આવું અદોદળું શરીર હોવા છતાં એમાં રહેલી ચિત્તા જેવી ચપળતા. સામાન્ય માણસનું હોય એના કરતાં થોડું મોટું માથું અને એમાં ઠસોઠસ ભરેલી નિર્દયતા અને ખંધાઇ. પૈસાના બદલામાં કોઇ પણ પ્રકારનું કામ કરવાનો અસ્લમભાઇને છોછ નહોતો અને માણસ મારવો એ મચ્છર મારવા જેટલું એને માટે સહજ હતું, ને હાથમાં લીધેલું કામ પુરું કરવામાં એવો તો પાક્કો હતો કે સુપારીની દુનિયામાં અસ્લમભાઇના નામની કસમો ખવાતી!
“ માફ કરદો ભાઇ….નયા લડકા હે, આજસે હી કામ પે લગા હે ઔર આપકો પહચાનતા નહીં હે….અબે સાલે….મેરા મુંહ ક્યા તકતા હે….ભાઇ કે પૈર પકડલે…” ને જગ્ગીએ જોરથી ધક્કો મારી શકૂરને અસ્લમભાઇના પગમાં ફેંક્યો.
“ઉસકી તો….નયા હે તો ક્યા અપુન કે સર પે બિઠાઉં…સા…”આખેઆખ્ખો અપશબ્દકોશ ઠાલવતાં અસ્લમભાઇએ પગમાં પડેલા થર થર ધ્રૂજતા શકૂરને મારવા માટે લાત ઉગામી, ત્યાં…
“સલામ માલેકૂમ, અસ્લમભાઇ….કૈસે હો?” બોલતાં શેટ્ટી બારમાં દાખલ થયો અને અસ્લમભાઇના ટેબલ તરફ આગળ વધ્યો. શકૂરનું કિસ્મત આજે જોર કરતું હતું અને એટલેજ બરાબર મોકે શેટ્ટી એના માટે ફરિસ્તો બનીને આવ્યો.
શેટ્ટી જ્યારે પણ આવતો ત્યારે કોઇ મોટા શિકારની ઓફર લઈને જ આવતો અને એટલે જ અસ્લમભાઇ શેટ્ટીને ખાસ મહત્વ આપતા.
“ અરે આજા શેટ્ટી આજા…બોત દિનો કે બાત દિખરેલા હે…સાલા તુ તો આજકલ…વો ક્યા બોલતે હે…હાં, ઇદ કા ચાંદ બન ગયેલા હે..” અસ્લમભાઇનો મૂડ અચાનક બદલી ગયો; “ બોલ આજ કીસકી કયામતકા પેગામ લેકે આયેલા હે? અચ્છા પહેલે યે બતા ક્યા પિયેંગા? અરે જગ્ગી અપુનકા યાર આયેલા હે, ઉસકો કુછ વિસ્કી , રમ,વોડકા જો કુછભી મંગતા હે પિલા…”
“આજ કુછ પિનેકા નહીં હે ભાઇ, બહોત જલદી મેં હું, ધંધે કી બાત કર લે?” ખાલી ખુરશીમાં ગોઠવાતાં શેટ્ટી બોલ્યો.
“ સાલે જબભી દેખો તો એસે જલદી મે રહેતા હે જૈસે તેરે પીછવાડેમેં આગ લગેલી હો…ઠીક હે બોલ ક્યા બાત કર રહા થા?”
“ભાઇ એક બોત બડા મુર્ગા હાથ લગેલા હે, કામ કર દેંગે તો બોત માલ મીલેંગા…”
“ અબે સાલે તેરી યે ઘુમાકે બાત કરનેકી આદત ગઈ નહીં…પહેલે તુ બતાયેગા તો પતા ચલેના કી કામ ક્યા હે ઓર તબ જાકે માલ મીલેગા...સીધા મેન પોંઇટ આ, કીસકા ગેમ બજાનેકા હે?”
“ભાઇ કોઇ ઇજનેર હે પટવારી નામકા, વો સાઇન નહીં કરતા ઇસકી વજહ સે આહુજા બિલ્ડર કા દો ખોખા ફસેલા હે, પટવારી સાલા બોત ટેઢી ખીર હે…વો સાલા સમજને કો તૈયાર હી નહીં કી કંટ્રક્શન કે બીજનેસ મેં થોડા બોત તો ઇધર ઉધર કરના પડતા હે તબ જાકે દો પેસા મીલતા હે, ઔર ઇસકી વજે સે આહુજા કા દો ખોખા પીછલે છે-સાત મહીનેસે ફ્સેલા હે…આહુજા બોલતા હે કી અગર ઉસકો ઉડા દિયા તો ઉસકી જગહ જો આયેગા વો ઉસકા આદમી હે ઔર કામ બન જાયેગા…”
“ અરે બસ ઇતની સી બાત હે….જા બોલ દે આહુજા કો, એક હપ્તે મેં કામ હો જાયેગા, અસ્લમભાઇ કી જબાન હે, લેકીન ઉસકો બતા દેના કી પચ્ચીસ પેટી લગેગી…દશ પેટી એડવાંસ મેં બાકી કામ કે બાદ…”
“ પચ્ચીસ પેટી ભાઇ?” શેટ્ટીથી રાડ પડાઇ ગઈ,”જ્યાદા નહીં હે ભાઇ? વો આહુજા તો પંદ્રહ કા બોલ રહા થા…”
“ અબે સાલે…” અસ્લમભાઇના મોઢામાંથી એક વધુ ગંદી ગાળ નીકળી,” યે અસ્લમભાઇકી જબાન હે કોઇ સબ્જીમંડી નહીં જહાં ભાવ તાલ હોતા હો, સમજા? ઉસકો બોલ અગર પચ્ચીસ હે તો ફાઇનલ…વર્ના જાય ઉસકી….”
“ઠીક હે ભાઇ, ઊંટ પહાડકે નીચે આયેલા હે, માનેગા નહીં તો જાયેગા કહાં…મેં બાત કર લેતા હું, ખુદા હાફીઝ ભાઇ.”
“ખુદા હાફીઝ, તેરા કામ બન ગયા સમઝ.”
@ @ @
“ખબર નહીં શું થવા બેઠું છે આ શહેરનું! માણસની જીંદગીની તો જાણે કોઇ કિંમત જ નથી! ને કાયદો ને વ્યવસ્થા ને પોલિસ ને સરકાર ને આ બધા શબ્દો તો જાણે માત્ર શબ્દકોશમાં જ હોય એવું લાગે છે!”
“ અરે…અરે…મેડમ, આમ સવાર સવારમાં કોના ઉપર વરસી રહ્યાં છો? ને આ સરકારે વળી શું બગાડ્યું છે તમારૂં અત્યારના પહોરમાં?”
શહેરના ખ્યાતનામ ગાયનેકોલોજીસ્ટ દંપતિ ડો. તૃપ્તિ અને ડો. તિમિર વચ્ચેના સવારે સાડા સાત વાગે બ્રેકફાસ્ટ ટેબલ પરના આ સંવાદથી જાગી ગયેલો એમનો છ વર્ષનો પુત્ર સિધ્ધાર્થ આંખો ચોળતો ચોળતો પોતાના બેડરૂમમાંથી બહાર આવ્યો.
ડો. તિમિર અને ડો. તૃપ્તિ સામાન્ય રીતે બને છે એમ સાથે જ ભણતાં આંખો લડી ગયેલી અને મન મળી ગયેલાં એટલે પીજી પુરું કર્યા પછી પહેલું કામ પરણવાનું કર્યુ, ને પછી પોતાની હોસ્પીટલ ખોલી સાથે જ પ્રેકટીસ ચાલુ કરી દીધી. આવડત તો હતી જ ને એમાં ભળી બન્નેની મીઠી જબાન અને થોડો સાથ નસીબનો, થોડા સમયમાં તો ’આગમન’ હોસ્પીટલનું નામ થઈ ગયું, ને હોસ્પીટલની સફળતાના ફળ સ્વરૂપ પોશ એરિયામાં ફોર બેડ હોલ કીચન નો બંગલો અને લકઝુરીયસ કાર પણ આવી ગયાં.
“ આ જુઓને વળી પાછું ધોળા દિવસે સરા જાહેર મર્ડર…કોઇ પટવારી નામના એન્જીનીયરને ગુંડાઓ એ એની કારમાં ઠાર માર્યા…”ડો. તૃપ્તિએ તિમિર તરફ છાપાંનો ઘા કરતાં કહ્યું.
“હેં શું વાત કરે છે? પટવારી સાહેબનું ખૂન થઈ ગયું? બહુજ સિધ્ધાન્તવાદી માણસ…લાગે છે કે એમને એમની પ્રમાણિકતા જ નડી ગઈ. કોઈએ એમની સોપારી જ આપી હશે…”ડો. તિમિરે છાપાંમાં નજર નાખતાં કહ્યું.
“ ડેડી..ડેડી આ સોપારી આપવી એટલે શું?” ઊંઘરેટી આંખે સિધ્ધાર્થ બોલ્યો.
’જા હવે તું જઈને જલદી બ્રશ કર હમણાં ક્લાસીસનો ટાઇમ થઈ જશે, તારે આવું બધું જાણવાની હમણાં કોઇ જ જરૂર નથી સમજ્યો?” ડો.તૃપ્તિએ આંખો કાઢતાં કહ્યું, ને સિધ્ધાર્થ મોઢું બગાડતો બગાડતો બાથરૂમ બાજુ ગયો.
“ હવે સવાર સવારમાં બિચારા એને શું કામ ખિજાય છે? એનો સવાલ બહુ જ સાહજિક હતો. બાળકની જિજ્ઞાસાવૃત્તિને આ રીતે તોડી ના પડાય…”તિમિરે છાપું સાઇડમાં મુકી ટોસ્ટ ઉપર બટર લગાડતાં કહ્યું.
“બોલ્યા મોટા ઉપાડે…તો શું એને આ ઉંમરે એવું બધું જ્ઞાન આપવાનું કે, બેટા સોપારી એટલે પૈસા લઈને માણસને મારવાનો કોન્ટ્રેક્ટ…”તૃપ્તિએ કટાક્ષ કરતાં કહ્યું ને પછી તિમિરને ઉદ્દેશીને બોલી” શું જમાનો આવ્યો છે! લોકો પૈસા માટે થઈને બીજાની જીંદગી છીનવી લેવા તૈયાર થઈ જાય છે…પૈસા માટે લોકો આ હદ સુધી જઈ શકતા હશે કઈ રીતે?”
“ઓ મેડમ…આ બધી દુનિયાભરની ચિંતા પડતી મેલો ને ઘડિયાળમાં નજર કરો, ક્લીનીક ઉપર પેશન્ટની લાઇન લાગી ગઈ હશે એની ચિંતા કરો…”
@ @ @
“પપ્પા..પપ્પા…દિકરીને દૂધ પીતી કરી દેવી એટલે શું?”
આઠ વર્ષની દિકરીને મોઢેથી આવો સવાલ સાંભળીને ધર્મેશને આશ્ચર્ય થયું,” કેમ બેટા આજે તને અચાનક આવો સવાલ સુઝ્યો?”
“ એતો પપ્પા એવું છે ને કે ગઈ કાલે ક્લાસમાં અમારા બેન એવું કહેતા હતા કે પહેલાના જમાનામાં દિકરીને દૂધ પીતી કરી દેવાનો ક્રૂર રિવાજ હતો. તે હેં પપ્પા, દિકરીને દૂધ પીવડાવે એમાં ખરાબ શું કહેવાય? આ જુઓને મને દૂધ ભાવતું નથી તોય તમે ને મમ્મી રોજ ખિજાઇને પીવડાવો જ છો ને?”
દિકરીની નિર્દોષતા ઉપર ધર્મેશ અને અલકા બન્ને ને ખડખડાટ હસવું આવ્યું. સાડીનો છેડો મોં ઉપર દાબી હસવાનું રોકવાનો પ્રયત્ન કરતાં અલકા બોલી,”લ્યો આપો હવે જવાબ તમારી લાડલીને…આજ કાલ બહુજ અઘરા પ્રશ્નો પૂછવા માંડી છે ને કાંઇ…”
“હાસ્તો વળી જવાબ તો આપવોજ પડશેને મારી નાનકડી આઇન્સ્ટાઇનને!”
ધર્મેશ, અલકા અને ખરેખર સ્વીટ લાગતી નાનકડી સ્વીટી, આ ત્રણેય જણનો ઇશ્વરનેય ઇર્ષા આવે એવો નાનકડો સુખી સંસાર હતો. ધર્મેશ બેંકમાં ઓફિસર હતો અને અલકા એક સુઘડ અને પ્રેમાળ, ઘરરખ્ખુ ગૃહિણી હતી, અને આ જોડાંને પહેલી નજરે જોનાર સૌ કોઇને એમ જ લાગતું કે એમના લવ મેરેજ છે, એ બન્ને સ્પષ્ટતા કરતાં કે અલકા એ ધર્મેશના મમ્મીની પસંદ છે તો પણ સામેવાળા માનવા માટે તૈયાર ન થતા. સ્વીટી ત્રીજા ધોરણમાં ભણતી હતી અને ખૂબજ શાર્પ હતી, ઘણી વખત એના પ્રશ્નો ધર્મેશ અને અલકાને મુંઝવણમાં મુકી દેતા અને એટલે જ ધર્મેશ એને લાડમાં ’મારી નાનકડી આઇન્સ્ટાઇન’ કહીને સંબોધતો.
“અહીંયા આવ જોઉં બેટા, મારી બાજુમાં બેસ.” સ્વીટી લાડથી ધર્મેશના ઢીંચણ ઉપર માથું ઢાળીને બેસી ગઈ.”કહોને પપ્પા…કે દૂધ પીવડાવવું એમાં ખરાબ શું કહેવાય? ”
“કહું છું બેટા કહું છું” ધર્મેશે વહાલથી એના વાળમાં આંગળાં પસવારતાં કહ્યું“એમાં એવું છેને બેટા…કે પહેલાના જમાનામાં લોકોને દિકરીઓ ગમતી નહોતીને એટલે એ લોકો પોતાને ત્યાં દિકરી જન્મે કે તરતજ એને દૂધ ભરેલા મોટ્ટા વાસણમાં ડૂબાડી દેતા…એને કહેવાય દિકરીને દૂધ પીતી કરી દેવી…”
સ્વીટી એક ઝટકા સાથે બેઠી થઈ ગઈ, “ છી…કેવું ખરાબ કહેવાય…એ લોકો પોતાની જ દિકરી સાથે આવું શી રીતે કરી શકતા હશે?” ને પછી અલકા સામે જોઇને બોલી,” હેં મમ્મી…મારા પપ્પા તો કેટલા સારા છે નહીં? એ આવું કોઇ દિવસ ન કરે…”ને અલકા એની આંખમાં આવેલાં ઝળઝળીયાં ને છુપાવવા કામને બહાને રસોડામાં જતી રહી.
“ અલક…મારું ટિફીન જરા ઝડપથી લાવજે, મારે મોડું થાય છે, આજે સાંજે હું સાડા ચારની આસપાસ આવી જઈશ, તું તૈયાર રહેજે…ડો.તિમિરની એપોઇન્ટમેન્ટ છે યાદ છે ને?”
ને અંદર રસોડામાં અલકા ગમે એટલો પ્રયત્ન કરવા છતાં ચોમાસું ખાળી શકી નહીં.
@ @ @ @
“તમે હજુ એકવાર વિચારી જુઓ તો સારું, આ મને બરાબર નથી લાગતું” આગમન હોસ્પીટલના વેઇટીંગ રૂમમાં બીજા દર્દીઓની સાથે પોતાના વારાની રાહ જોઇને બેઠેલી અલકાએ દબાતા અવાજે ધર્મેશને કહ્યું.
“ મેં બધું જ વિચારી જોયું છે અને આજે ફરી પાછો બા નો પણ ફોન હતો, આપણે વડિલોની લાગણીનો પણ ખ્યાલ રાખવો જોઇએ કે નહીં ડાર્લિંગ?”
“ પણ બે જ વરસની અંદર ફરીથી એનું એજ…ને ગયા વખતે મને કેટલી તકલીફ પડેલી એતો તમને યાદ હશેજ..”
“ હા ડાર્લિંગ, મને બધું જ બરાબર યાદ છે, પણ એ વાત અને આજના સમયમાં ઘણો ફેર છે. છેલ્લા થોડા સમયમાં ટેકનોલોજી અને વિજ્ઞાને પણ કેટલી પ્રગતિ કરી છે? હવે તો એક જ દિવસમાં બધું જ પતી જાય છે અને રજા પણ મળી જાય છે, આજે તારું ચેક અપ થઈ જાય અને બધું નક્કી થઈ જાય એટલે કાલે સવારે દાખલ થઈ ને સાંજે તો પાછા ઘરે જતા રહેવાનું…”
“ઠીક છે તમે જેમ ઠીક સમજો એમ…હું બીજું તો શું કહું…” અલકાની નજર ધરતી ખોતરવા લાગી.
“અલકાબેન ધર્મેશભાઇ….” રીશેપ્શનીસ્ટે કોર્ટના બેલિફની જેમ પ્રલંબ સૂરે પોકાર પાડ્યો.ધર્મેશ ઊભો થઈને ડોકટરની ચેમ્બર તરફ ચાલ્યો અને અલકા લગભગ એની પાછળ ઘસડાઇ.
“ આવો આવો ધર્મેશભાઇ, કેમ છો? મઝામાં અલકાબેન?” ડો. તિમિરે બન્ને ને આવકારતાં કહ્યું, અલકાએ નિરસતાથી ડોકું ધુણાવ્યું, ધર્મેશે હાથ લંબાવી ડોકટર સાથે શેક હેન્ડ કર્યા ને પછી બન્ને જણ સામેની ખુરસી પર ગોઠવાયાં. થોડી વારમાં ડો. તૃપ્તિએ અલકાને અંદર ના રૂમમાં બોલાવી અને એક્ઝામિનેશન ટેબલ પર લીધી.
“હં…તો પછી તમે શું નક્કી કર્યું છે ધર્મેશભાઇ?” ડો. તિમિરે ધર્મેશ સામે તાકતાં કહ્યું.
“એમાં વિચારવાનું શું બીજું? કેમકે એક દિકરી તો છેજ એટલે જે કરવાનું છે તે નક્કી જ છે, શક્ય હોય તો આવતી કાલે જ પતાવી નાખીએ…કેટલો ક ખર્ચ થશે?”
“ દવાઓ પણ બધી જ અમે અહીંથી જ આપીએ છીએ એટલે બધું મળીને ચાલીસ હજાર જેવું થશે…”
“ચાલીસ હજાર? આમાં તો બહુ વધારે ન કહેવાય ડોકટર?”
“જુઓ ધર્મેશભાઇ, આજકાલ આ બહુ જ જોખમનું કામ છે, કાયદાઓ તો તમને ખબર છે ને?”
“ તો પણ મારું માન રાખીને કંઇક ઓછું કરો તો સારૂં”
“તમે પણ ધર્મેશભાઇ…શાક માર્કેટ સમજીને ભાવતાલ શરૂ કરી દીધા! ઠીક છે સો-બસ્સો ઓછા આપજો બસ?” ડો. તિમિરે ખડખડાટ હસતાં કહ્યું.
@ @ @
અંદર એક્ઝામિનેશન ટેબલ પર સુતેલી અલકા મનમાં આજે બપોરે સ્વીટીએ પૂછેલા સવાલ ઘુમરાતા હતા.
“મમ્મી Cannibal એટલે શું?”
“બેટા Cannibal એટલે જે પોતાની જ જાતીનો શિકાર કરે છે એવું પ્રાણી.”
ને તુરત જ બીજો સવાલ “ મમ્મી આ Cannibalism ક્યા પ્રાણીમાં સૌથી વધારે જોવા મળે છે?”
કોણ જાણે કેમ બપોરે સ્વીટીને એણે જે જવાબ આપ્યો હતો, એનાથી જુદો જ જવાબ અત્યારે એના મનમાં પડઘાતો હતો.
16 April 2010.
Cannibal.. Aaha.. this was the story which introduced yourself to me when i have read it first time on the page of SABRAS story competition.. Let me say it s really mind blowing and a excellent piece of writing by you.. congrats for it !
ReplyDeleteજાનીદાદુ, દિલ ને ભાવવિભોર કરી દેનારા શબ્દો ...... ઉપર થી નીચે તરફ વાચો કે નીચે થી ઉપર તરફ વાચો ....... એક સરખી જ માવજત ....... ફક્ત ને ફક્ત મનીપૂજક કોમ નો ચેહરો આબાદ દેખાડ્યો છે ....
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteખુબ સરસ !!
ReplyDeleteઆજ ના જમના માં ગદ્ય માં શૈલી, લાધવ, ચાત વિગેરે કરતા સંદેશ અગત્ય નો રહે છે ,
વાંચનારા ઓ ને પણ એવી ઊંડાણ પૂર્વક વાંચવાની ટેવ ના હોય , સંદેશ બરાબર રીતે
રજુ થાય એ ઘણું અને એ કામ આપે સુપેરે પર પાડ્યું છે.
ઉદાહરણ ના ત્રિકોણ માં થી પસાર થતી લાગણી ઓ આપના આજ ના સમાજ જીવન ના
નારી આખે ના દેખાતા રંગો પણ દેખાડી જાય છે.
આપે લખવાનું ચાલુ રાખવું જોઈએ..
CANNIBAL એટલે માણસ ..!--///શ્રી મુકુલ જાની ની CANNIBAL વાર્તાનો પ્રતિભાવ.
ReplyDelete*********************************************************
મુકુલભાઈ..!તમારી CANNIBAL વાર્તા વાંચીને થોડી વાર તો હું સૂનમૂન થઇ ગયો.રગ રગમાં ખુન્નસનો વિસ્ફોટ થાય... કાળજું વલોવાઇ જાય એવી વાર્તા લખી છે તમે ! માણસના દંભના પરદા ચીરીને બહુ બિહામણા ચહેરા બતાવ્યા છે તમે !
બે ઘટનાઓને ચાર દૃશ્યોમાં એવી રીતે વર્ણવી છે કે અંતમાં, ગર્ભમાં હણાયેલી દીકરી,અલકાના આંસુ અને માણસજાતના દંભનું ઝેર-આ ત્રણના કારણે વાચકના ચિત્તને કરુણા અને ક્રોધનો એક સાથે અનુભવ થાય.
હૈયું હચમચાવી દે એવા ચાર ચિત્રો-
૧.'સપના બાર'માં પટવારીની હત્યાની સોપારી લેતો અસલમ,
૨.પટવારીની હત્યાના સમાચાર અખબારમાં વાંચીને ગાયનેકોલોજીસ્ટ ડો.તૃપ્તિ તિમિરનો દંભી બળાપો-
“ખબર નહીં શું થવા બેઠું છે આ શહેરનું! માણસની જીંદગીની તો જાણે કોઇ કિંમત જ નથી! ”
૩."પપ્પા...પપ્પા..દીકરીને દૂધપીતી કરી દેવી એટલે શું ?"એવો નાનકડી દીકરી સ્વીટીનો એના પિતા ધર્મેશને સવાલ.
અને "પહેલાના જમાનામાં લોકોને દીકરીઓ ગમતી નહિ એટલે દીકરી જન્મે એટલે દૂધ ભરેલા મોટા વાસણમાં ડૂબાડી દેતા "-એવો ધર્મેશનો જવાબ.
૪.એ જ ધર્મેશ પોતાની પત્ની અલકાના ગર્ભમાં રહેલ દીકરીના ભૃણનો નિકાલ કરવા એ જ ગાયનેકોલોજીસ્ટ પાસે જાય.
બધા જ ખૂની છે.અસ્લમ,ધર્મેશ અને ગાયનેકોલોજીસ્ટમાં શું ફેર ?અસ્લમ ખૂની છે પણ દંભી તો નથી જ !કહેવાતા સંસ્કારી અને પ્રતિષ્ઠિત માણસોની દાંભિકતાને જોરદાર તમાચો માર્યો છે તમે,મુકુલભાઈ !CANNIBAL એટલે પોતાની જ જાતિના પ્રાણીનો શિકાર કરે તેવું પ્રાણી.માણસ જેવું ખૂંખાર અને દંભી પ્રાણી બીજું કયુ હોય ?તમારું આલેખન પણ બહુ અસરકારક છે.હજુ બીજી પણ આવી વાર્તાઓ લાવો,મુકુલભાઈ !
CANNIBAL એટલે માણસ ..!--///શ્રી મુકુલ જાની ની CANNIBAL વાર્તાનો પ્રતિભાવ.
ReplyDelete*********************************************************
મુકુલભાઈ..!તમારી CANNIBAL વાર્તા વાંચીને થોડી વાર તો હું સૂનમૂન થઇ ગયો.રગ રગમાં
ખુન્નસનો વિસ્ફોટ થાય...
કાળજું વલોવાઇ જાય એવી વાર્તા લખી છે તમે ! માણસના દંભના પરદા ચીરીને બહુ બિહામણા ચહેરા
બતાવ્યા છે તમે !
બે ઘટનાઓને ચાર દૃશ્યોમાં એવી રીતે વર્ણવી છે કે અંતમાં, ગર્ભમાં હણાયેલી દીકરી,અલકાના આંસુ
અને
માણસજાતના દંભનું ઝેર-આ ત્રણના કારણે વાચકના ચિત્તને કરુણા અને ક્રોધનો એક સાથે અનુભવ
થાય.
હૈયું હચમચાવી દે એવા ચાર ચિત્રો-
૧.'સપના બાર'માં પટવારીની હત્યાની સોપારી લેતો અસલમ,
૨.પટવારીની હત્યાના સમાચાર અખબારમાં વાંચીને ગાયનેકોલોજીસ્ટ ડો.તૃપ્તિ તિમિરનો દંભી બળાપો-
“ખબર નહીં શું થવા બેઠું છે આ શહેરનું! માણસની જીંદગીની તો જાણે કોઇ કિંમત જ નથી! ”
૩."પપ્પા...પપ્પા..દીકરીને દૂધપીતી કરી દેવી એટલે શું ?"એવો નાનકડી દીકરી સ્વીટીનો એના
પિતા ધર્મેશને સવાલ.
અને "પહેલાના જમાનામાં લોકોને દીકરીઓ ગમતી નહિ એટલે દીકરી જન્મે એટલે દૂધ ભરેલા મોટા
વાસણમાં ડૂબાડી
દેતા "-એવો ધર્મેશનો જવાબ.
દેતા "-એવો ધર્મેશનો જવાબ.
૪.એ જ ધર્મેશ પોતાની પત્ની અલકાના ગર્ભમાં રહેલ દીકરીના ભૃણનો નિકાલ કરવા એ જ ગાયનેકોલોજીસ્ટ પાસે જાય.
બધા જ ખૂની છે.અસ્લમ,ધર્મેશ અને ગાયનેકોલોજીસ્ટમાં શું ફેર ?અસ્લમ ખૂની છે પણ દંભી તો નથી
જ !કહેવાતા
સંસ્કારી અને પ્રતિષ્ઠિત માણસોની દાંભિકતાને જોરદાર તમાચો માર્યો છે તમે,મુકુલભાઈ !CANNIBAL
એટલે
પોતાની જ જાતિના પ્રાણીનો શિકાર કરે તેવું પ્રાણી.માણસ જેવું ખૂંખાર અને દંભી પ્રાણી બીજું કયુ હોય
?તમારું આલેખન
પણ બહુ અસરકારક છે.હજુ બીજી પણ આવી વાર્તાઓ લાવો,મુકુલભાઈ !
મારી દ્રષ્ટ્રીએ અસલમભાઈ ધર્મેશ-અલકા કરતા સારા માણસ કહેવાય...આ કપલમાં હું અલકાને પણ બરાબરની દોષી માનુ છુ; જો અલકા મનથી આવુ ન કરવા મક્કમ હોય; તો ધર્મેશે તેનું માનવું જ પડે;પણ અહી તો એક માતા(સ્ત્રી)જ આવા કામમાં જોરદાર વિરોધ ન કરે તો એ પ્રથમ ગુનેગાર ગણાય...
ReplyDeleteઆપ વાર્તા પણ ઘણી જ સારી રીતે લખી શકો છો;અને તે દ્વારા આવા સંવેદનશીલ મુદ્દાને અસરકારક રીતે રજુ કરી શકો છો એ જાણી સખદ આશ્ચર્ય થયું...અભિનંદન અને શુભેચ્છાઓ...
આ વાંચીને અહીં આવતા(ઈંટરનેટ યુઝર્સ) લોકો પણ આવા કિસ્સામાં સમજણ પ્રાપ્ત કરે(કે જે જરુરી છે) એવી આશાસહ...
વાર્તાઓ ગમી છે...રાખી લઈએ છે...સમય,સ્થળ-કાળ બદલાયા છે...પણ માનુષના( અમાનુષ??) મન ના પેલાં અંધારા ખૂણામાં પડેલી આસુરી વૃત્તિઓ હજુ ય અકબંધ છે...હિંસાના સ્વરૂપો બદલાયા છે....હિંસા મટી નથી...મટશે ય નહિ...
ReplyDeleteBeautiful Story. Good subject, good pacing, effective dialogues, impressive juxtapositions. I especially liked to "laaghav" in your narration. So congratulations! Keep writing. Expecting more such stories from you...
ReplyDeletedikara vagar kem aagal vadhashe...bolo vansh amaro..?dikari vagar kem dikara janamashe...eto jara vicharo...?..dikari chhe to dikara chhe....e samjo ne samjavo....!...dikari vhal no dariyo....!
ReplyDeleteમુકુલસાહેબ થોડી વાર માટે મારું હૃદય એક ધબકારો ચુકી ગયું..બહુજ ઉમદા લખાણ છે..આપને ખુબ ખુબ અભિનંદન...જયારે ૧૯૮૪ માં માતા-પિતા એ દીકરી જન્મ નિમિત્તે પેંડા વહેંચ્યા હતા..એ વાત યાદ કરતા આજે પણ ગર્વ થી માથું ઊંચું થઇ જાય છે...
ReplyDeleteમુકુલ જી ...હૃદયસ્પર્શી વિચારતા કરી મુકે તેવા દ્રશ્ય. પ્રથમ ઘટનામાં હૃદયહીન અસ્લમ નું સુપેરે નિરૂપણ, બીજામાં ડોક્ટર દંપતી નો સમાજ ના પતન પ્રત્યે નો અણગમો, ત્રીજામાં પિતા અને માતા ને વ્હાલસોયી પુત્રીનો અઘરો પ્રશ્ન, અને ચોથામાં એ જ પિતાનો કે જે પોતાની માતાની મરજી માટે કસાઈ બનતા અચકાતો નથી તેના અને ડોક્ટર દંપતીના દંભ નો પર્દાફાશ...સટ્ટાક કરી ને વાગે એવો ચાબખો...
ReplyDeleteમુકુલ'દા, આટલું સુંદર અને સત્ય લખતા હશો અને લખતા રહેશો, એની તો ખાતરી જ છે, દરેક વ્યક્તિમાં અસ્લમ હાજર છે, અજાણે જ વિચાર અને વ્યવહારના ભેદનું સ્પષ્ટ નિરૂપણ, કોઈ સલાહ સુચન સિવાય, એક સિદ્ધહસ્ત લેખક સિવાય, શક્ય નથી,
ReplyDeleteનતમસ્તક છું,