Thursday, November 10, 2011

હે...’માં’ પરચાવાળી...!


આજે નવલા નોરતાનો ત્રીજો દિવસ, શેરીની બેનુ દિકરીયું બધાય ઝમકુમાને ઘેરી વળ્યા ને કે કે માજી આજે તો તમારે વાર્તા કહેવી જ પડશે..ઝમકુ મા કે કે ભલે આજે આ નોરતાના સપરમા દા’ડા છે તો હું તમને એક હાજરા હાજૂર માતાજી અને એના પરચાની વાર્તા કહું છું..તો સાંભળો…
    ’એકવાર એક ગામમાં ધોળે દી’એ ધાડ પડી, લૂંટારાઓએ સારો એવો માલ લૂંટી લીધો ને ભાગ્યા, ગામવાળા તો બચ્ચાડા વામકુક્ષી કરતા’તા એટલે ત્યારે તો ખબર ના પડી પણ ગામના કેટલાક પંચાતિયા (એટલે કે પત્રકારો!) જે આખો દા’ડો ચોરે આવેલ ઓટલે બેસીને ચોવટ કરતા રે’તાતા એમાંના કો’ક ને આ ખબર પડી, એટલે ગામના ચોકમાં જઈને ગોકીરો કરી મેલ્યો…પણ ગામ જેનું નામ! એમ કંઇ જાગે? કેટલીયે હોહા કરી તંઇ અરધા-પરધા ગામ વાળાની અરધી પરધી આંખ્ય ઉઘડી ને ઘરની બાર્ય નિકળ્યા. પણ ત્યાં લગીમાં તો લૂંટારા બે ખેરતવા છેટે, ’માં’ ના મંદિરે જઈ ભગત બાપાની ઓરડીના વાડામાં ખાડો ખોદીને માલ સંતાડી દીધો, આ બધો ખખડાટ થ્યો એટલે ’માં’ ના મંદિરના ઓટલે બેસીને ’માં’ ના નામની માળા ફેરવતા ભગત બાપાએ ઝીણી આંખ્ય કરીને બધું જોયું, મનમાં તો થ્યું કે બે બોલ કઉં, પણ પછી થ્યું કે છો’ને બચ્ચાડા ઈ પણ તો ’માં’ ના ભગત જ છે ને! ને વળી જે કંઈ લાવ્યા હશે એમાંથી ’માં’ ને પણ નિવેદ ધરવાના તો છે જ! હું કંઇ કઉં ને વળી ’માતાજી’ નારાજ થઈ જાય તો!
     આ બાજુ જે અરધા-પરધા જે અરધું-પરધું જાગ્યા’તા ( બાકીના હતા એને તો ’માતાજી’માં પૂરી સરધા, એટલે માતાજી જે કરે ઈ હારા હાટુ એમ માનીને પંચાતીયાવ ને ગાળ્યું દેતા’તા કે તમે અમને સુવા દેતા નથ્ય ને ખોટેખોટા ’માં’ ને બદનામ કરો છ?) ઈ ને ઓલ્યા પંચાતીયા બધાય હુડુડુડુ કરતા હડી કાઢીને મંદીરે આવ્યા ને ભગત બાપા આગળ કકળાટ કરી મેલ્યો, પણ ભગત બાપા જેનું નામ! સમતાનો મેરૂ પર્વત! ’માં’ના હાડોહાડ ભગત! ભગત બાપા હળવે દઈને માળા હેઠી મૂકી પછી ઓરડીમાં જઈને પટારો ખોલીને બધાને બતાવ્યો કે  ભાઇ જોઇ લ્યો આ બધાં મારાં લૂગડાં…આમાં એકેયમાં તમને રાઈના દાણા જેટલો પણ ડાઘ દેખાય તો ક્યો?
     ગામવાળા તો બચ્ચાડા ઓઝપાઇ ગ્યા કે આતો આપણે પાપમાં પડ્યા બચ્ચાડા ભગત જેવા ભગત ઉપર શંકા કરીને! નખ્ખોદ જાય એ મૂવા પંચાતીયાવનું! ખોટી આપણી નિંદર બગાડી! ઘરે આવીને ગામવાળા પાછા સુઈ ગ્યા.
    પણ પંચાતીયાવ જેનું નામ, ઈ એમ સુધરે! એમાંના એક જણે મંદિરની વંડી આડે સંતાઈ ને જોયું તો કાં’ક ડખો થાતો હોય એવું લાગ્યું. એણે ઇશારો કરીને બીજા ને બોલાવ્યા, ને જોયું તો લૂંટના માલનો ભાગ પાડવામાં બે જણ ની વચાળે ચડભડ થાતી’તી. પંચાતીયાઓએ ગામ વાળાને પાછા બોલાવ્યા અને કીધું કે જો અમે કે’તાતા ને કે તમારો લૂંટ નો માલ ને ગુનેગાર બધું આંયાં  જ છે!
     ભગત બાપાએ ઓલ્યા બે જણ જે ચડભડ કરતા’તા ને બઊ સમજાવ્યા…કે મૂંગા મરો…ગામમાં આપણી આબરૂ જાય છે, આપણે ઊઘાડા પડીએ છીએ, પણ કોઇ વાતે નો સમજે…પછે તો ભગત બાપા બેયને કાન પકડી, અંદર ’માતાજી’ ના ચરણો માં લઈ ગ્યા…પણ જેને ’માં’ કેવાય..એના તો પરચા જુગ જુગ થી જાણીતા, અંદર મંદિરમાં ’માં’ એ કોણ જાણે કેવો પરચો દેખાડ્યો કે થોડીક વારમાં ઇ બેય જણ એકાબીજાના ગળામાં હાથ નાખીને, એકબીજાને બચ્ચીઓ ભરતા ભરતા બાર નિકળ્યા!
     ઇ જોઈને ’માં’ ના બીજા ભક્તો અને ભગત બાપાના ચેલાઓએ પંચાતીયાવ ને કીધું કે જોઇ લ્યો તમારે જોવું હોય તો, આયાં કોઇ જાત નો ડખો નથી, તો હવે પંચાત મેલો ને બીજા કામે લાગો!
     આ સાંભળીને ગામવાળાતો ઘરે પાછા આવી ગ્યા પણ એમાં ના કેટલાક  હજુ માથું ખંજવાળતા ખંજવાળતા વિચાર કરે છ કે માળું બેટું આ ઇ બે ને ડખો થ્યો ઇ સાચું…બેય ને પાછું સમાધાન થ્યું ઇ સાચું…બેય એકાબીજાને ગળે હાથ નાખીને બચ્ચીઓ ભરતા’તા ઇ સાચું…પણ ઇ બધી વાતમાં આપણી ફરિયાદ એ બેયના ડખ્ખાની હતી કે આપણે લૂંટાણા એની હતી!”
     આમ આ માતાજીની વારતા પૂરી કરીને ઝમકુમાં બોલ્યાં કે આ કળજૂગમાં જે સાચા ભાવથી ’માતા્જી’ની ભક્તિ કરે છે એનાં ગમે એવાં કાળા કામા હોય તોય એનાં કલંક ધોવાઇ જાય છે, તો ’માતાજી’ ભગત બાપાને ને લૂંટારાવ ને જવાં ફળ્યાં એવા સૌને ફળજો! ( આટલુ સાંભળી શ્રોતામાં બેઠેલો એક પંચાતીયાનો છોકરો ધીમેથી ગણગણ્યો, “ગામનું ભલું ઈચ્છતાં હોવ તો ગામ માંથી ટળજો!”)
 Friday, 30 September 2011

No comments:

Post a Comment