Sunday, November 27, 2011

સેવન ડેઝ, સિક્સ નાઇટ, ભાગ-૫


               ગળથૂથી:
"આ ગુજરાતી ભાષા જેવી સરળતા જો બીજે ક્યાંક જોવા મળે, તો તમે નવી શોધ કરી છે એમ માનજો."
-ફાધર વાલેસ

               આપણા ગુજરાતમાં જેટલી સાહજીકતાથી માંસાહારી ભોજન મળી રહે છે એટલી જ સરળતાથી કેરાલામાં શુધ્ધ શાકાહારી રેસ્ટોરાં મળી રહે છે, શરત ફકત એટલી છે કે તમારો ડ્રાઈવર સ્થાનિક હોવો જોઇએ. ને ડ્રાઈવર સ્થાનિક ના હોય તો પણ શાકાહારી ભોજન તો મળી જ રહે પણ થોડી મગજમારી વધી જાય. એટલું જ. આમ સફરના ત્રીજા દિવસે એલ્લેપ્પીથી મુન્નાર જવાના રસ્તા ઉપર આવેલ એક શાકાહારી રેસ્ટોરાંમાં ભોજન પતાવ્યા પછી અમારી કાર મુન્નારના રસ્તે દોડતી હતી, હવે ઘાટનો રસ્તો શરૂ થઈ ગયો હતો, અને અંશુલની ઊલ્ટીઓ પણ! અંશુલને કારની મુસાફરીની એલર્જી છે, જ્યારે પણ કારમાં અરધા કલાકથી વધારે મુસાફરી કરવાનું થયું છે ત્યારે ઊલ્ટી થાય જ છે એટલે પૂર્વતૈયારી રૂપે પ્લાસ્ટીકના ઝબલાં ભેગાં રાખવા સિવાય અમારી પાસે કોઇ ઇલાજ નહોતો! (જે ઈલાજ પહેલા દિવસે સાંજે અર્નાકુલમ ઉતર્યા ત્યારથી લઈને છેલ્લે અર્નાકુલમ થી ટ્રેન પકડી ત્યાં સુધી કામ લાગ્યો!)
વેલ્લેરા ધોધ
                મુન્નાર જ્યારે ૪૨ કિલોમીટર છેટું હતું ત્યારે ભારતના સુંદરતમ માર્ગોમાંના એક NH49 ઉપર અમારા માટે સૌથી પહેલું નજરાણું હતું તે હતો અર્નાકુલમ જીલ્લાની પૂર્વે સરહદ ઉપર અને ઈડ્ડુકી જીલ્લામાં દેવિયાર નદી પર આવેલ આવેલ વલ્લેરા ધોધ. અંગ્રેજીમાં આનો સ્પેલિંગ Valara એવો છે પણ સ્થાનિક લોકો વલ્લેરા અથાવા વલ્લારા એવો ઉચ્ચાર કરે છે. હાઇ વે તરફ પીઠ કરીને આસનસ્થ, ધ્યાનસ્થ થયેલ વૃધ્ધ સાધ્વી જેવો પહાડ અને એના પાછળ ઢળતા શ્વેત કેશ જેવો જલપ્રપાત! ખરેખર, કોઈ પણ પતન ક્યારેય આટલું અદ્‌ભૂત અને રમણીય ક્યારેય નથી લાગ્યું! એક હજાર મીટર જેટલી ઊંચાઈએ થી ખાબકતા જલરાશીમાંથી નિપજતું સંગીત અહીંથી પસાર થતા યાત્રિકોને થોડી વાર માટે દુનિયાદારીની બધીજ પળોજણ ભૂલી રોકાઇ જવા મજબૂર કરતું હતું. અમે  પણ રોકાયા, ફોટા પડ્યા, આજુબાજુ લાગેલી હાટડીઓમાંથી વિન્ડો શોપિંગ કર્યું અને વલ્લેરાને આવજો કહેતા આગળ જવા નીકળ્યા. હજુ માંડ દશેક કિલોમીટરનું અંતર કાપ્યું હશે ત્યાં અમારી જમણી બાજુ NH 49 થી થોડે દૂર ચીયપ્પારા(cheeyappara) ધોધ દેખાતો હતો, કોઇ અણમાનીતી રાણીના કુંવર જેવા આ ધોધને જોવા માટે એકલદોકલ કાર રોકાતી હતી અને એ પણ કારમાંથી નીચે ઉતરવાની તસ્દી લીધા વગર! એવું નથી કે આ ધોધ સુંદરતામાં કોઈ રીતે કમ હતો પણ મનભાવતાં ભોજન પેટભરીને ખાધા પછી આઇસ્કીમ પ્રત્યે પણ અરૂચી થઈ જાય, એવું જ કદાચ આ ધોધની સાથે પણ થતું હતું! એક કારણ એ પણ છે કે વલ્લેરા સાવ હાઈવે ને અડીને છે જ્યારે આ ચીયપ્પારા હાઈ વે થી સો દોઢસો મીટર જેટલો દૂર ઊભો છે, જે હોય તે પણ અમને તો સાત પગથિયાં ઊતરીને નીચે આવતો ચીયપ્પારા પણ એટલોજ વહાલો લાગ્યો!
ચીયપ્પારા ધોધ
                કેરાલા એના મરીમસાલાના ઉત્પાદન ને કારણે સદીઓથી વિદેશીઓ માટે પણ આકર્ષણ રહ્યું છે, જેમ મુન્નાર નજીક આવતું હતું એમ ઠેક્ઠેકાણે રસ્તામાં આવેલા સ્પાઈસ ગાર્ડનવાળા હાથ ઊંચા કરી અમને એમના સ્પાઇસ ગાર્ડનની મુલાકાત લેવા માટે આમંત્રણ આપતા હતા. છેવટે આવા એક સ્પાઇસ ગાર્ડન Dreamland Spices Park પાસે અમારી કાર રોકાઇ અને અમે અમારી અને કેમૅરાની પ્રવેશ ફી ભરી ગાર્ડનમાં પવેશ્યા. ઊંધા શંકુ આકારના આ બગીચામાં ઉપરના ભાગમાં જાતજાતના મરી મસાલા અને ઔષધિનીની વનસ્પતી હતી અને વચ્ચે ખીણમાં ઢોળાવો ઉપર ચાના બગીચા. ખીણની ધાર ઉપર સાંકડી કેડી, અને કેડી પર હાથી પોતાની પીઠ ઉપર માણસો ને બેસાડીને ચાના બગીચામા ચક્કર મરાવતા હતા એ દ્ર્શ્ય ગમ્યું નહી. કોણ જાણે કેમ પણ ધરતી પરના સૌથી કદાવર અને તાકાતવર જાનવરને આમ લાચાર અવસ્થામાં માણસની ગુલામી કરતું જોઇને હમેંશા ખિન્નતાજ અનુભવી છે.
                વર્ષોથી જે મસાલાઓ ઘરમાં વપરાતા આવ્યા છે એના વૃક્ષો, વેલાઓ અને છોડ જોવાનું હમેશાં રોમાંચક લાગે છે, (આજની જનરેશન ને માટે ઘઉં,બાજરી અને ચોખા જેવાં  ધાન્યો કોઈ કારખાનામાં નથી બનતા પણ ખેતરમાં પાકે છે એ પણ સ્કૂલમાં ભણવામાં આવે ત્યારે ખબર પડે છે!) પરંતુ અમારા આ વનસ્પતીઓ જોવાના ઉત્સાહ ઉપર એક તો વરસાદે ઠંડું પાણી રેડવાનું ચાલુ કર્યું અને બીજું એ પાર્કના સ્ટાફને અમારા જેવા પર હેડ ૧૫૦ રૂપિયા જેવી ફી ચુકવનાર કડકા ગ્રાહકો કરતાં હાથીની સવારી સાથેનું ૭૫૦ જેવું પેકેજ લેનારા મલાઇદાર ગ્રાહકોમાં વધારે રસ હોય એ સ્વાભાવિક હતું! અને એ બેવકૂફ જાનવર, ચાર અલમસ્ત હાથી પોતાના જ ઈલાકામાં, આ તુચ્છ માનવજંતુઓના પેટ ભરવા માટે અન્ય માનવિઓનું મનોરંજન કરવાની મજૂરી કરતાં હતાં!
                છેવટે અમે અમારી રીતે જ પાર્કની વનસ્પતિઓની સાથે ઓળખાણ કરવાની કોશીશ ચાલુ કરી. આ પાર્કનું ખરેખર આકર્ષણ કહી શકાય તો એના બે ટ્રી હાઉસ, એમાનું એક તો ખૂબજ ઊંચા વૃક્ષ પર બાંધેલું હતું. અને અન્ય આકર્ષણ હતું પાર્કમાં આવેલ રિટેઇલ શોપમાંથી મસાલાઓની ખરીદી કરવાનું. અમને અમારા તરફ એટેન્શન ના આપવામાં આવ્યું અને સરખી રીતે પાર્ક બતાવવામાં ના આવ્યો એનો અફસોસ, આ ખરીદી વખતે થોડો ઓછો થયો કે ચાલો બીજું કંઇ નહીં તો સસ્તા ભાવે મસાલાઓની ખરીદી તો થઈ! પણ એ આનંદ પણ જ્યારે આગામી દિવસોમાં ઠેકડીની સ્પાઇસ માર્કેટમાં પહોંચીએ ત્યાં સુધી ટકવાનો હતો એની અમને ત્યારે ખબર નહોતી!
                છેવટે અમે છ-સાત કલાકની મુસાફરી પછી થાક્યા પાક્યા અમારા ઉતારાની હોટેલ ટી કેસલ પહોંચ્યા જ્યાંથી મુન્નાર હજુ બાર કિલોમીટર દૂર હતું. રાત્રે જમીને એવી તો ઊંઘ આવી કે એકેય એવું સપનુંયે ના આવ્યું જેમાં ધોધ, ચાના બગીચા કે હાથી દેખાય!


ગંગાજળ:
આજે માણીએ ચોથા હપ્તામાં એક મિત્ર મિતેષ પાઠકે કરેલી કોમેન્ટમાંથી મજેદાર અંશ...
"મને તો ઘણી વાર એવું થાય કે આપણી સૌરાશ્ટ્ર જનતા કે મેઇલ જો લુટાય ને તો ૫-૭ હજાર થેપલા ડાકુને મળે!"

Tuesday, November 22, 2011

સેવન ડેઝ, સિક્સ નાઇટ, ભાગ-૪ગળથૂથી
કોઈ વ્યકિત એવો દાવો કરે કે એણે જીવનમાં કોઈ ભૂલ કરી જ નથી, તો પ્રભાવિત ના થઇ જતા પણ એની દયા ખાજો કેમકે આનો અર્થ એ થાય કે એણે એના જીવનમાં કોઈ દિવસ કંઇ નવું કરવાની કોશીશ જ નથી કરી!
                            
                        કેરળની કુલ વિસ્તારની ૩૮ ટકા જમીન ઉપર નાળિયેરીના ઝાડ ઊભાં છે અને કેરળના અર્થ તંત્રમાં નાળિયેરના ઉત્પાદન નો બહુજ મોટો હિસ્સો હોવો સ્વાભાવિક છે, એટલે અમે પરત આવ્યા પછી અમેને જે સવાલ વારં વાર પૂછવામાં આવ્યો એ એ હતો કે તમે કેરલમાં નાળિયેર બહુ પીધાં હશે. આમાંથી કેટલાકનો ખ્યાલ તો એવો હતો કે કેરલામાં જ્યારે પણ તરસ લાગે ત્યારે પાણીને બદલે નાળિયેર પાણી પીવા મળતું હશે! પણ ગમે તે કારણ હોય, કદાચ ટુરીસ્ટ્સ ના કારણે હોય પણ અહીં નાળિયેર રાજકોટ (કે જે ભારતના મોંઘામાં  મોઘા શહેરોમાં ક્યાંક ઉચ્ચ સ્થાને હોવાની બાદશાહી ભોગવે છે) કરતાંયે મોંઘાં હતાં. અમને હાઉસબોટમાં પણ અમે ૪+૧ હોવા છતાં ચાર જ નાળિયેર વેલકમ ડ્રિંક તરીકે આપવામાં આવેલાં!

                કેરળ પહોંચ્યાના બીજા દિવસની બપોરે એક વાગ્યાની આસપાસ અમારી હાઉસબોટે કિનારો છોડ્યો ત્યારે વેમ્બનાડુ લેઇક ના શાંત જળ ઉપર અમારી હાઉસ બોટ એકલી નહોતી, એની આસપાસ બીજી અનેક હાઉસ બોટ તરતી દેખાતી હતી જાણે જળ ઉપર તરતું ગામ જોઈ લ્યો. ઠેકઠેકાણેથી આવી પડેલાં યાયાવર ટોળાંઓ પોતપોતાની હાઉસબોટમાં ઘુસીને જળવિહાર કરતાં હતાં અને એમનો આ જળવિહાર આ લેઇકના મૂળ માલિકીહક્ક ધરાવતાં બગલા, જલકૂકડી,બતક વગેરેના રોજીંદા કાર્યમાં વિક્ષેપરૂપ હતો પરંતુ બિચારાં કરે પણ શું? જેવો આ યાંત્રીક જળ રાક્ષસ એની બાજુમાં આવે એટલે ઊડી જઈને માર્ગ આપવા સિવાય બીજો માર્ગ ક્યાં હતો એમની પાસે? આ સરોવરમાં બગલાની અનેક પ્રજાતીઓ અને જાત જાતનાં બતક  થાય છે ઉપરાંત (આપણે જેનું અત્યારે લગભગ વાર્તામાં જ અસ્તીત્વ રહેવા દીધું છે એ) ઘર ચક્લી અને એવાં બીજાં અનેક પક્ષીઓ અહીં છે પણ આપણે એને એના કુદરતી નિવાસમાં પણ ક્યાં શાંતિથી રહેવા દઈએ છીએ?

                અમારૂં આજનું લંચ, ડીનર અને બીજા દિવસ સવારનો (હા ભૈ સવારનો જ!) બ્રેકફાસ્ટ આ બધું હાઉસબોટમાં જ. અમે હાઉસબોટના કૂકને સ્પષ્ટ રીતે જણાવી દીધું હતું કે અમે શુધ્ધ શાકાહારી છીએ, અમારા હાઉસબોટના કેરાલીયન કૂકે બપોરની રસોઇ ખરેખર ખૂબજ સ્વાદિષ્ટ બનાવી હતી, પણ જ્યારે રસોઇ બનતી હતી ત્યારે હું રસોડામાં આંટો મારવા ગયેલો ત્યારે જે દ્ર્શ્ય જોયેલું એથી વધુ પડતા ચોખલિયાવેડા ધરાવતા શાકાહારી લોકોને એક વણમાગી સલાહ આપવાની ઇચ્છા થાય છે કે હાઉસબોટના રસોડામાં ક્યારેય જતા નહીં! કારણ કે અમે શાકાહારી હતા પણ એ હાઉસબોટ વાળા ત્રણેય જણ શાકાહારી નહોતા અને એ લોકોને પણ ત્યાં હાઉસબોટના રસોડામાં જ રાંધીને ખાવાનું હતું!
                કેરાલા જવાનું હતું ત્યારે અમને સૌથી વધારે ચિંતા ખાવા બાબતની જ હતી, એક તો શાકાહારી ભોજન સહેલાઇથી મળશે કે નહીં અને મળશે તો આપણને ફાવે એવું હશે કે નહી, કેમ કે આપણે સિંગતેલમાં રાંધનારા જ્યારે એવું સાંભળેલું કે કેરાલામાં રસોઇમાં કોપરેલ તેલ વપરાય છે. આપણે રોજબરોજના જીવનમાં જાત જાતની માન્યતાનાં કેટકેટલાં બિનજરૂરી પોટલાં ઊંચકી ને ફરતા હોઇએ છીએ! રસોઇ તો અમુક તેલમાં જ થાય, અમુક ખોરાક ભારે કહેવાય અને અમુક હલકો, અમુક વાયડું પડે તો અમુક પચે નહી! અને આ બધીજ આપણી ધારણાઓને આપણે યુનિવર્સલ સત્ય ગણીને ચાલતા હોઈએ છીએ, પણ જો ખુલ્લા મને બહારની દુનિયામાં પગ મૂકીએ તો ઘણા બધાં પોટલાં નો બોજ( જો આપણી તૈયારી હોય તો) હલકો થઈ જાય છે, એક વરસ પહેલાંની એક વાત યાદ આવે છે હું જવાહર નવોદયમાં તાલિમ માટે ઓરિસ્સા ગયેલો. ત્યાં લોકોનો મુખ્ય ખોરાક ચોખા, ત્યાંના પ્રિન્સીપાલ જે મારી સાથે જમવા બેસતા તે બપોરના ભોજન માં રોટલી ખાય નહીં પણ રાત્રે રોટલી ખાય એટલે મેં એમને કારણ પૂછ્યું તો કહે કે ચોખા એ ભારે ખોરાક કહેવાય અને ઘઊં એ હળવો ખોરાક એટલે રાત્રે હળવે ખોરાક લેવાય એ સારૂં! જ્યારે અહીં આપણે શું માનીએ છીએ? આનાથી બિલકુલ ઉલ્ટું, ચાલો અત્યારે કંઇક ભાત-ખિચડી એવું હલકું કરી નાખોને, રાત્રે સારૂં રહેશે! ( આ કિસ્સો મેં અહીં આવીને વડિલોને કહ્યો તો પણ એ લોકો હજુ પણ એમની વાત ઉપર અડગ છે કે ઘઊં એટલે ભારે ખોરાક અને ચોખા એટલે હળવો!)

                આ હાઉસબોટમાં એક સારી હોટલમાં હોય એવી તમામ સવલતો હતી. આપણે રૂમમાં હોઈએ તો બિલકુલ એવું ના લાગે કે પાણી ઉપર હાઉસબોટમાં છીએ. રૂમ પણ એકદમ સ્વચ્છ અને સુંદર રાચરચીલું, બેડશીટ, બારીના પરદા, એ.સી. ફેન કોઈ વાતની કમી નહોતી. હાઉસબોટના આગળના ભાગમાં ડાયનિંગ ટેબલ, એનાથી આગળ આરામદાયક સોફા અને ટિપોય, બન્ને સાઇડ ઉપર જેના ઉપર બેસીને અમે કુદરતને માણતા હતા, પાણીમાં વચ્ચે વચ્ચે ઉગેલી તરતી વનસ્પતિ અને એના ઉપર માછલીનો શિકાર કરવા માટે ધ્યાનસ્થ થઈને બેઠેલા બગલાઓ, કિનારા ઉપરથી પાણીમાં ઝૂકીને પોતાનું પ્રતિબિંબ નિહાળતાં નાળિયેરીનાં વૃક્ષોનાં ઝૂંડ અને એ ઝૂંડની વચ્ચે સાવ કિનારે આવેલાં ગ્રામ્ય મકાનો જેના ઘરના ઊંબરાને આ પાણી પખાળતું હોય અને ત્યાં બેસીને જ આરામથી બહેનો કપડાં ધોતી દેખાય. ઘરનાં આંગણાં ને અડીને પાણીમાં એક નાનકડી હોડી પાર્ક કરેલી દેખાય જે આ લોકોને માટે અવર-જવરનું એક માત્ર સાધન છે. વચ્ચે વચ્ચે હલેસા વાળી હોડીમાં કોઈ માછીમાર માછલી લઈને જતાં દેખાય તો કોઇ હોડી કાચાં કેળાંની લૂમથી કે કંદથી ભરેલી દેખાય. બંગાળના ભાગલા માટે બદનામ લોર્ડ કર્ઝને આ વિસ્તારને પૂર્વનું વેનિસ કહીને કોઇ જ અતિશયોક્તિ નથી કરી! પરંતુ જો તમારે તમે જે આ હાઉસબોટ માટે આઠ-નવ હજાર ખર્ચ્યા છે એને બેક વોટરને બદલે ’પાણી’માં જવા દેવા હોય તો બોટમાં ઈડિયટ બોક્ષ પણ ડીશ કનેક્શન સાથે હાજર હોય જ છે!

                હાઉસબોટના યાદગાર ૨૧ કલાક પછી બીજા દિવસની સવારે ફરીથી પાછા કિનારે આવ્યા ત્યારે અમારૂં સ્વાગત કરવા માટે અમારા સેલ્વમભાઇ રાહ જોઇને બેઠા હતા. ફરી પાછી એજ ઈન્ડિકાની સફર અને ઈન્ડિકા દોડવા લાગી ૧૪૧ કિલોમીટર દૂર આવલા મુન્નાર તરફ, મુન્નારમાં અમારા બે દિવસ પ્લાન કરેલા હતા એટલે એક નિંરાંત હતી કે ચાલો બધું શાંતિથી જોવાશે અને આરામ પણ થશે, પણ ત્યારે ક્યાં ખબર હતી કે મુન્નારમાં એકજ રાત શાંતિથી જવાની હતી અને બીજા દિવસે અરધી રાત્રેજ ઉચાળા ભરવા પડશે!ગંગાજળ

બકરી અને રાજકોટની ઓટોરીક્ષામાં શું સમાનતા છે?
.
.
.
બકરીના ગળામાં આંચળ હોય છે એમ રાજકોટની ઓટોરીક્ષામાં મીટર હોય છે!

Friday, November 18, 2011

સેવન ડેઝ, સિક્સ નાઇટ, ભાગ-૩


  

ગળથૂથી:
               જેના માથે દેવું નથી એજ સાચો પૈસાદાર છે –હંગેરિયન કહેવત  
       
               કેરાલા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શું સમાનતા છે? અથવા કઈ એવી બાબત છે જે કેરાલા અને ન્યૂઝીલેન્ડને જોડે છે? ન્યૂઝીલેન્ડના કવિ થોમસ બ્રેકનનાં કાવ્યોની એક બૂક ૧૮૯૦માં પ્રકાશીત થઈ, જેમાં પોતાના દેશ ન્યૂઝીલેન્ડ વિશે એક કાવ્ય હતું, જેનું શીર્ષક હતું. “God's Own Country” અને એ બુકનું નામ પણ હતું, ” God's Own Country and Other Poems આમ આ શબ્દો પહેલવેલા ત્યારે વાપરવામાં આવ્યા એમ કહી શકાય. પરંતુ આ શબ્દોને લોકપ્રિયતા અપાવી ન્યૂઝીલેન્ડ ઉપર સૌથી વધુ સમય શાસન કરનાર વડાપ્રધાન રિચર્ડ જહોન સેડને વારંવાર ઉપયોગ કરીને. આ શબ્દોને કેરલાના લોકોએ પોતાના રાજ્ય માટે ક્યારે અપનાવી લીધા, એનો કોઈ ઈતિહાસ મળતો નથી અને ઇતિહાસમાં જવાની  જરૂર પણ નથી. એકવાર કેરાલાની મુલાકાતથી જ ખ્યાલ આવી જાય છે કે એને God's Own Country શા માટે કહેવામાં આવે છે!
બેકવૉટરમાં પાર્ક કરીલી હાઉસબોટ
                નેશનલ જ્યોગ્રોફિકના ટ્રાવેલર મેગેઝીન દ્વારા કેરાલાને “ધરતી પરના દશ સ્વર્ગ માંનુ એક” અને “ જોવાં જ જોઈએ એવાં વિશ્વનાં પચાસ સ્થળોમાંનું એક” માનવામાં આવ્યું છે અને એ શા માટે એ તો ટ્રેન જેવી કેરાલાની સરહદમાં પ્રવેશે ત્યાં જ ખ્યાલ આવવા માંડે છે! ક્યાંક આભને આંબતાં તો ક્યાંક બેકવૉટર પર ઝળુંબતાં નાળિયેરીના વૃક્ષો, રબ્બર ટ્રી, જાત જાતના મરી મસાલા અને તેજાના ના વૃક્ષો અને વેલાઓ, દૂરથી કશ્મીરી ગાલીચા જેવા દેખાતા ચા ના બગીચાથી આચ્છાદિત ડુંગરાઓ ઉપરથી દડતાં પાણીના ઝરણાં અને એ ડુંગરાઓની ઓથે પકડદાવ રમતી વાદળીઓ...કેરલા ઉપર કુદરતે ભરપુર મહેર વરસાવી છે, ભૈ આખરે એની પોતાની ભોમકા જો છે!
               અમારો પહેલો ઉતારો અલેપ્પી અથવા તો અલપ્પુઝામાં આવેલ પૅગોડા રિસોર્ટમાં હતો, રિસોર્ટ ખરેખર ભવ્ય છે, પહેલી નજરે જોતાં અંજાઈ જ જવાય. અમે અમારા ભાગે આવેલ કોટેજમાં ગોઠવાયા, ૨૪ કલાકની ટ્રેનની વત્તા દોઢ કલાકની ઈન્ડિકાની મુસાફરીનો થાક હતો, રૂમમાં ટીવી હતું પણ ટીવી જોવાની તેવડ ન્હોતી, પીવાનું પાણી મગાવ્યું અને આવે ત્યાં સુધી ટાઈમપાસ માટે ટીવી ચાલુ કર્યું, પણ મલયાલમ ચેનલોની વચ્ચેથી એકાદ હિન્દી અથવા અંગ્રેજી ચેનલ શોધવી એ ચેલેન્જીંગ કામ હતું! પાણી માટે ચારેક વખત રિમાઇન્ડર આપ્યા પણ બધાજ રિમાઇન્ડર પાણીમાં ગયા! શ્રીમતિને ગળામાં દુખાવો હતો એટલે મીઠાના પાણીના કોગળા કરવા હતા,પણ ચપટી મીઠા માટે પણ દાંડીકૂચ જેવું આંદોલન કરવું પડશે એવું અમને લાગ્યું એટલે પછી પાણી અને મીઠાંને ભૂલીને નિન્દ્રાદેવીનુ શરણ સ્વીકારી લીધું. ૧૨ સુંદર કોટેજીસ, ૨ આલીશાન સ્યૂટ, ૨૧ ડીલક્સ રૂમ અને બીજા સ્ટાન્ડર્ડ રૂમ ઉપરાંત આયુર્વેદા સેન્ટર, સ્વિમીંગ પુલ અને બીજી ઘણી બધી સગવડો ધરાવતા આ રિસોર્ટને સર્વિસના નામે તો શૂન્ય જ આપી શકાય.
               બીજા દિવસે સવારે ગરમ પાણીના નામે પણ એજ હાલત એટલે ગરમ પાણીના નામનુંજ નાહી નાખ્યું! હા સવારનો બ્રેકફાસ્ટ (કોમ્પ્લીમેન્ટરી હતો એટલે જ નહીં પણ ખરેખર) સારો હતો. ચેકઆઉટની વિધી પતાવી અને અમારા પાયલટ સેલ્વમના માર્ગદર્શન હેઠળ અલ્લપુઝા બીચ જવા નીકળ્યા, બીચ ઉપર અરધો કલાક જેવું ધમાલ મસ્તી કરી કુમારકોમના માર્ગે ઈન્ડિકા દોડતી હતી જ્યાં દોઢેક કલાકની મુસાફરી પછી અમારે હાઉસબોટ પહોંચવાનું હતું, રસ્તામાં ટુર ઓપરેટરની ઓફિસે બાકીનું પેમેન્ટ પતાવવાનું હતું. રસ્તામાં સેલ્વમભાઇએ એક બહુજ અગત્યની (એની દ્રષ્ટિએજ સ્તો!) માહિતી આપી કે અહીં એક ખાસ પ્રકારની ફીશ થાય છે જે બહુજ મોંઘી હોય છે અને એની કરી બહુજ સ્વાદિષ્ટ હોય છે જે બહાર ખાવા જઈએ તો બહુજ મોંઘી પડે પણ હાઉસબોટમાં તમને લોકોને તદ્દન ફ્રી માં પિરસવામાં આવશે! મેં એને કહ્યું કે ભાઇ અમે બધા જ સંપૂર્ણ શાકાહારી છીએ અને ફીશ તો શું પણ ઈંડું પણ નથી ખાતા, ત્યારે એના મોઢામાંથી અફસોસની સાથે “ઓ...” એટલો જ ઉદ્‌ગાર નિકળી શક્યો પણ એના ચહેરાના ભાવમાં મને “બંદર ક્યા જાને અદ્રક કા સ્વાદ...!” એ ડાયલોગ બહુ સ્પષ્ટ દેખાતો હતો!
               વેમ્બનાડુ લેઇક એ ભારતનું લાંબામાં લાંબુ અને કેરલનું મોટામાં મોટું સરોવર છે જેની કુલ સપાટી આશરે ૨૦૩૩ સ્ક્વેર કિલોમીટર જેટલી છે અને કેરાલાના ઘણા જીલ્લાઓને સ્પર્શે છે તથા અલગ સ્થળે અગલ અલગ નામે ઓળખાય છે જેમકે કુટ્ટાનાડમાં પુન્નામડા લેઇક અને કોચીમાં કોચી લેઇક. કોચી પોર્ટ પણ આ લેઇક ઉપરજ આવેલ છે. કેરલાની વિશ્વવિખ્યાત બોટ રેસ પણ આ લેઇકમાંજ થાય છે. અમારે પહોંચતાં મોડું થયું હતું એટલે અમે રસ્તામાં હતા ત્યારેજ હાઉસબોટ વાળાનો મારા ઉપર ફોન આવ્યો, પણ હરામ બરોબર તો એક અક્ષર પણ પલ્લે પડે તો! કારણ કે એ બંદાને મલયાલમ સિવાય બીજી કોઈ પણ ભાષા સાથે બાપે માર્યાં વેર હતાં. દક્ષિણના રાજ્યોના લોકો વિશે આપણા લોકોમાં એક ભ્રમ વ્યાપક રીતે જોવા મળે છે કે સાઉથવાળાનું અંગ્રેજી સારૂ! સારૂં હતું કે અમારા સેલ્વમને ભાંગ્યું તૂટ્યું અંગ્રેજી અને હિન્દી આવડતું હતું એટલે અમારૂં ગાડું ગબડી જતું હતું એટલે હાઉસબોટ વાળાનો ત્યારે અને પછી પણ જેટલી વાર ફોન આવ્યો ત્યારે મેં સેલ્વમને જ પકડાવી દીધો.
               સાડાબારની આસપાસ અમે અમારા માટે પાર્ક કરેલી હાઉસ બોટ ’આદિથ્યાન’ પહોંચ્યા ત્યારે ત્યાં અમારા સ્વાગત માટે હાઉસબોટના ત્રણ કર્મચારીઓ હાજર હતા. બોટમાં પ્રવેશતાંજ અમારૂં સ્વાગત વેલકમ ડ્રિંકથી કરવામાં આવ્યું, સ્વાભાવિક છે એક કેરાલામાં વેલકમ ડ્રિંક તરીકે નાળિયેર પાણી જ હોય! પણ અમે એ વેલકમ ડ્રિંક તરીકે નાળિયેર પીધું એક કેરાલામાં પહેલું અને છેલ્લું પણ હતું!
વેલકમ  ડ્રિંક
       ગંગાજળ
        મિત્ર હાર્દિક ગોસ્વામિના મોઢે સાંભળેલો એક સાચો કિસ્સો, 
એક કાઠિયાવાડી મમ્મીનો પોતાની ઈંગ્લીશ મીડિયમ ઓલાદ સાથે સીડી ચડતી વખતનો ડાયલોગ: “પિન્ટુ, મારી ફિંગર કેચ કરી લે...નહીંતર ફોલ થઈ જઈશ...!”
              Monday, November 14, 2011

સેવન ડેઝ, સિક્સ નાઇટ, ભાગ-૨


ગળથૂથી
આપણી ઊંચાઇ આપણને કુદરત તરફથી મળેલી હોય છે, પરંતુ આપણી જાડાઈ આપણે સ્વયં નક્કી કરવાની હોય છે!
                                  મુંબઈથી મેંગ્લોર સુધીનો કોંકણ રેલ માર્ગ
             ૨૬મી જાન્યુઆરી ૧૯૯૮ના રોજ ખુલ્લી મૂકાયેલ કોંકણ રેલ એક અજાયબીની સાથે સાથે..ભારતના જ નહીં પણ વિશ્વના સુંદરતમ રેલમાર્ગોમાંનો એક છે. મુંબઈથી શરૂ થઈ ગોવાને વિંધીને મેંગ્લોર પુરો થતા આ ૭૬૦ કી.મી ના રેલમાર્ગમાં  ૨૦૦૦ જેટલા બ્રિજ જેમાં લાંબામાં લાંબો બ્રિજ ગોવાની જુવારી નદીપરનો  ૧૩૧૯ મીટર છે અને ૯૨ જેટલી ટનલ આવેલી છે, જે બધીજ ટલનની કુલ લંબાઇ થાય છે ૮૩ કિલોમીટર જેટલી, જેમાંની લાંબામાં લાંબી ટનલ  ૬૫૦૬ મીટર જેટલી લંબાઇ ધરાવે છે જે મહારાષ્ટ્રમાં આવેલી છે. વળી આજ માર્ગ બરાબર ગોવા અને કર્ણાટકની બોર્ડર ઉપર ગોવામાં ભારતનો પાંચમા નંબરનો સૌથી ઊંચો ધોધ દૂધસાગર, મંડોવી નદી ઉપર આવેલો છે. કોંકણ રેલનો આખો માર્ગ બન્ને બાજુ નાળિયેરી,આંબા, જેક ફ્રુટ, પામ ટ્રી, સાગ અને ઘાસના મેદાનોથી આચ્છાદિત છે, પણ બધું જોવાનું અમારા નસીબમાં ક્યાં હતું? ટ્રેનના સમયના કારણે જતી અને આવતી બન્ને વખતે અમે આમાંથી મોટા ભાગનું નીંદરમાં ગુમાવ્યું!
                                    ગોવાનો જુવારી નદી પરનો બ્રિજ           
         એમ તો નીંદર પણ ક્યાં નહોતી ગુમાવી! શરૂઆતમાં પેલા ભેંકડાસૂરે બે કલાક જેટલું પોતાનું કામ કર્યું, માંડ નીંદર આવી’તી ત્યાં ભર નીંદરમાં પડખું ફરવા જતાં ડાબા પગનીપાનીમાં કંઇક અણીદાર ખીલા જેવું ભોંકાયું અને ભયંકર પીડાને સહન કરી ચીસને નીકળતી જેમ તેમ રોકી રાખી. અંધારામાં પગની પાની ઉપર હાથ ફેરવીને જોયું તો લોહીની ભીનાશ અનુભવી... થોડીક વાર કશ્મક્શ અનુભવી ને મન મક્ક્મ કરી લીધું કે બીજા કોઈની નીંદર નથી બગાડવી. પીડા સહન કરતાં કરતાં પાછી ઊંઘ આવી ગઈ. સવારે ઊઠીને પહેલ વહેલાં બે કામ કર્યાં એક તો કેવું ક વાગ્યું છે એ જોવાનું. જોયું તો સારો એવો અરધા ઈચ જેટલો ઘા હતો, અને બીજું કામ એ સંશોધન કરવાનું કે આ વાગ્યું છે શું? અગાઉ વાત કરી હતી એમ ગરીબરથમાં સાઈડમાં પણ ત્રણ બર્થ આવે છે, એમાં વચ્ચેની બર્થને ઉપર બાંધી રાખવા માટે સ્ટીલના હૂક હોય છે ખોલી નખાયા પછી એના અને દિવાલના વચ્ચે આ હૂકના લીધે ત્રણેક ઈંચ નો ગેપ રહે છે.( રેગ્યુલર વચ્ચેની બર્થ કરતાં આ થોડી અલગ પધ્ધતિ છે) આ હૂક અણીદાર હોય છે (અણી શા માટે? લાલુજીને ખબર!) રાત્રે પગ પૂરા ફોર્સથી આ હૂક પર જતો રહેલો! સવારે, “અરર..અને હાય..હાય..કેટલું બધું વાગી ગયું છે...અમને કેમ ના જગાડ્યા”..વગેરે વગેરે ઉદ્‌ગારો પછી પ્રાપ્ય સંશાધનોની મદદથી પાટાપીંડી કરવામાં આવી.( અને પછીના તમામ દિવસો લંગડાતા લંગડાતા જ પસાર કર્યા!)
             અમે રસ્તામાં હતા ત્યારેજ ટુર ઓપરેટર સતત ફોનથી અમારા સંપર્કમાં હતા વળી અમારા ડ્રાયવરનો મોબાઇલ નંબર અને ગાડી નંબર પણ અમને એસ એમ એસ કરી દીધો હતો એટલે અજાણી જગ્યાએ ઉતરીને શું કરવું એની કોઈ ચિંતા નહોતી. ૩૧ ઓકટોબરે સાંજે ૬ વાગ્યે મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ( આ ટર્મિનસ જેણે જોયું હશે એને એની ગરીબી ખબર હશે, સમગ્ર ભારતમાં આટલાં ગંદા અને ઢંગધડા વિના ના સ્ટેશન ઓછાં હશે) થી ઉપડેલી ટ્રેન બીજા દિવસે સાંજે ૬;૩૦ની આસપાસ નિર્ધારીત સમયે અર્નાકુલમ સ્ટેશન પર પહોંચી ગઈ એકદમ રાઈટ ટાઈમ! આ ગાડીની સૌથી મજાની વાત એ હતી અથવા તો છે કે એનું ભાડું બીજી ટ્રેનની સરખામણીમાં લગભગ ૪૦% જેટલું ઓછું છે! (ભલે ખીલો વાગ્યો પગમાં, હજી જરૂર હોય તો બીજો પગ પણ છે!)
             ટ્રેનમાંથી સ્ટેશન ઉપર ઉતર્યા ત્યારે વરસાદ ચાલુ હતો, અને અમારા ડ્રાઈવર ભાઈ હજુ આવ્યા નહોતા જે થોડીજ વારમાં આવી ગયા,સામાન ગાડીમાં ગોઠવાયો, અને લશ્કર ઉપડ્યું. અમારા ડ્રાયવરનું નામ સેલ્વમ, પણ એનો સાચો ઉચ્ચાર શીખતાં અમારી અરધી ટુર પૂરી થઈ ગઈ હતી! કેમ કે એ મલયાલમ બંદો શું ઓચરે છે એ સરખું સમજાય જ નહીં! મેં પહેલેથી જ આગ્રહ રાખેલો કે અમને શક્ય હોય ત્યાં સુધી હિન્દી બોલી સમજી શકે એવો જ ડ્રાયવર આપવો, એના પ્રતિભાવમાં આ સેમ્પલ, સોરી સેલ્વમ અમારે ભાગે આવેલ! જેટલું ખરાબ હિન્દી એટલું જ ભંગાર ઈંગ્લીશ! ( ને આપણેય ઈંગ્લીશમાં તો કયાં ઓછા ઊતરીએ એમ હતા!) પછીના એક અઠવાડિયા સુધી મેં અને સેલ્વમભાઇએ જે રીતે અંગ્રેજીમાં ચલાવ્યું છે...જે ચલાવ્યું છે એ જોઈને શેકસપિયરના આત્માએ પણ વારંવાર આત્મહત્યા કરી હશે!
             અહીંથી સીધા અમારે ૭૦ કિલોમીટર દૂર આવેલ એલ્લેપી, પૅગોડા રિસોર્ટ જવાનું હતું જ્યાં અમારો આજની પ્રથમ રાત્રીનો સ્ટે હતો. સેલ્વમભાઈએ ભાંગી તૂટી હિન્દીન્ગ્લીશમાં અમને સમજાવ્યું કે ત્યાં રિસોર્ટમાં જમવાનું ઘણું મોંઘું હશે એટલે રસ્તામાં જમવાનું પતાવી લેવું. અમારે પણ એટલું જ જોઈતું હતું એટલે એને કોઈ પ્યોર વેજ રસ્ટોરંટ બતાવવા કહ્યું. દસેક કિલોમીટર પછી અમારી ગાડી એક શુધ્ધ શાકાહારી રેસ્ટોરાં પાસે આવીને ઊભી, રેસ્ટોરાંનું નામ હતું આર્યા. બધું જ સાઉથ ઇન્ડિયન, ઢોસા, ઈડલી, વડા અને ભાત. જમવાનું ખરેખર સારૂં હતું અને સસ્તું પણ ખરૂ. કેરાલા જવાનો વિચાર હજુ અપરિપક્વ અવસ્થામાં હતો ત્યારે કેરાલા જઈ આવેલ એક મિત્ર વિરલ માસ્ટર પાસે માર્ગદર્શન માગતાં એણે કહેલું એક વાક્ય યાદ છે, “ કેરાલા જવાના છ મહિના પહેલાથી ઇડલી-ઢોસા ખાવાના બંધ કરી દેજો, અને આવીને પછી તમે છ મહીના માટે બંધ કરી દેશો!” સાચ્ચેજ એવું જ થયું, અંશુલને ઢોસા અતિ પ્રિય, પણ અત્યારે ઢોસા નું નામ પણ લઈએ તો ચિડાઇ જાય છે!
             છેવટે દોઢેક કલાકની મુસાફરી પછી રિસોર્ટ ઉપર પહોંચ્યા, ચેક-ઇન ની વિધી પતાવી પોતપોતાના કોટેજમાં ગયા. કોટેજ ખરેખર સરસ હતાં અને રિસોર્ટ પણ વિશાળ અને સુંદર રીતે મેનેજ કરેલો હતો પણ હોટેલ બિઝનેસમાં જે સૌથી અગત્યનું છે એનો કારમો દુકાળ હતો.
ગંગાજળ
ભારતમાં ટ્રેનમાં એક ડબ્બામાં કેટલાં ઘેટાં-બકરાં કે ગાયો-ભેંસો ભરી શકાય એના માટે કાયદો છે પણ ઈન્સાન માટે આવી કોઈ જ સીમા નથી!
ગોવા-કર્ણાટકની સરહદ ઉપર આવેલો ભવ્ય દૂધ સાગર ધોધ અને કોંકણ રેલ

Saturday, November 12, 2011

સેવન ડેઝ, સિક્સ નાઇટ, ભાગ-૧


ગળથૂથી:
“બહારની ખુલ્લી હવા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે, શર્ત એ છે કે આપણે એને શ્વાસમાં પ્રવેશવાની ઈજાજત આપીએ...”
_______________________________________________________________________________________

                તૈયારીઓ તડામાર ચાલતી હતી, જાત જાતની પૂરી, ચકરી, ગોળપાપડી, સક્કરપારા, ચેવડો અને એવું બીજું ઘણું બધું. દિવાળીના દિવસો હતા સ્વાભાવિક છે, ઘરે ઘરે આ જ દ્રશ્ય હોય, એમાં નવાઈ શાની? પણ અહીં હકીકત થોડી જુદી હતી. આ તૈયારી ચાલતી હતી તે દિવાળીની નહીં પણ કેરાલા ફરવા જવા માટેની હતી એટલે સવાલ થવો સ્વાભાવિક હતો કે કેરાલા ફરવા માટે જવાનું છે કે ખાવા માટે! પણ ભાઇ આપણે તો કોઈ પણ પ્રવાસની તૈયારી આ રીતેજ થાય, પછી એ કેનેડા જવાનું હોય કે કેરાલા...પહેલી પ્રાથમિકતા તો ખાવાપીવાની (અહીં ’પીવા’ નો બીજો કોઇ અર્થ ના કાઢવો!) સગવડને આપવાની નહીં તો આપણું ગુજરાતીપણું લજવાય!
                મે મહીનામાં એક કૌટુંબિક પ્રસંગે ભેગા થયા ત્યાં વાતમાંથી વાત નીકળીને આમ કેરાલા જવાનું બીજ રોપાયું ત્યારે અમે બધા થઈને દસ લોકો તૈયાર થયા ત્યારે થયું કે જમાવટ થવાની. પણ ધીમે ધીમે જેમ નક્કી કરેલો સમય ઓક્ટોબર નજીક આવતો ગયો એમ વાજબી કારણો ને લઈને વિકેટો પડતી ગઈ ને પીચ ઉપર છેક સુધી અણનમ રહ્યાં અમે પાંચ, મોટી બહેન જ્યોતિ, બનેવી ચંદ્રકાંત, શ્રીમતીજી મીતા, અંશુલ અને બંદા પોતે!
                પછી મગજમારી ચાલુ થઈ ટુરનો રૂટ અને પ્રવાસનાં સ્થળો નક્કી કરવાની, અમારા પાંચેયના ખાનદાનમાંથી પણ કોઇ ક્યારેય કેરાલા ગયેલ નહીં એટલે એક માત્ર ઇન્ટરનેટ અને ગૂગલ દેવ ( હા, બિલકૂલ મઝાકનો મૂડ નથી, આ કળજૂગમાં કોઈ હાજરા-હજૂર દેવ હોય કે જેની પાસે તમામ સવાલના ઉકેલ છે તો એ એક માત્ર ગૂગલ દેવ છે!) નો સહારો. રાજકોટથી મુંબઈ થઈને ત્રિવેન્દ્રમ કે પછી કોચી, કે પછી સીધા અર્નાકુલમ જવું ઠીક રહેશે? પછી ત્યાં કોઈ એક સ્થળને હબ બનાવીને બધે ફરવા જવું કે સીધા દક્ષિણમાં જઈને ફરતા ફરતા ઉત્તર તરફ આવી, મુંબઈની ગાડી પકડી લેવી? ક્યા સ્થળને કેટલા દિવસ ફાળવવા? ત્યાં શું શું જોવા લાયક છે? ઉતરવા માટે કઈ હોટલ સારી? અગાઉથી બુકીંગ કરાવવું પડશે કે પછી પડશે એવા દેવાશે? આ બધું ઉતરાણના દિવસે અગાસીમાં હાથમાંથી ફીરકી છટક્યા પછી  ગુંચવાયેલા દોરા જેવું હતું, ક્યાંય છેડો દેખાતો નહોતો. એમાં ભળી રેલ ટીકીટ બુકીંગની લમણાઝીક. સ્ટેશને જવાનું, લાંબી લાઇનની વૈતરણી પાર કરને બારી આવે ત્યાં ’અવેલેબલ’ માંથી ’વેઈટીંગ’ થઈ ગયું હોય! ( ઓનલાઇન બુકીંગ? IRCTC મોટા ભાગે સવારના દસ વાગ્યા સુધી ઘેનમાં હોય છે એવો અત્યાર સુધીનો અનુભવ છે!) ને એમાંયે તારીખો અને મેમ્બરો ફરવાને લીધે કેન્સલ,રીબુકીંગ, કેન્સલ ચાલ્યું. છેવટે ફાયનલ પાંચની જે ટીકીટ હાથમાં હતી એ હતી વેઇટીંગ. પણ ત્રણ મહિનાનો સમય હતો એટલે ચિંતા નહોતી.
                ઓલ્યો દોરો તો હજુયે ગુંચવાયેલોજ હતો અને ૩૦મી ઓક્ટોબર (જે તારીખે અમારે રાજકોટથી મુંબઈ રવાના થવાનું હતું) આડે અઠવાડિયું રહ્યું તોયે છેડો નહોતો મળતો એટલે છેવટે થાકી-હારીને પેકેજટુરની શરણાગતી સ્વિકારી (આ નિર્ણય ડહાપણભર્યો છે કે મુર્ખામીભર્યો એતો કેરાલા પહોંચીને ખબર પડવાની હતી!) અને આમ નક્કી થઈ કેરાલાની સેવન ડેઝ, સિક્સ નાઈટની ટુર.
                ૩૦મીએ રાજકોટથી મુંબઈ અને ૩૧મીએ મુંબઈથી બેન-બનેવી સાથે અર્નાકુલમ માટે ગરીબરથ પકડવાનો હતો, વેઇટીંગ હવે આરએસીમાં પરિવર્તિત થઈ ચૂક્યું હતું પણ હજુ કનફર્મ ને છેટું હતું. જે છેક છેલ્લા દિવસે છેલ્લા કલાકોમાં થયું. ને આ બધી માયાજાળ ને કારણે અમે G-3 અને G-9 (G ફોર ગરીબરથ) માં વહેંચાઇ ગયા.
                આ ગરીબરથ ખરેખર નામ એવાં લક્ષણ ધરાવતો હતો અને થર્ડ એસી હોવા છતાં કંપાર્ટમેન્ટની હાલત લગભગ સામાન્ય સ્લીપર ક્લાસ જેવીજ હતી બલ્કે અમુક બાબતમાં તો એનાથીએ બદતર, જેમકે સામાન્ય સ્લીપર ક્લાસમાં પણ મેં ક્યારેય સાઈડ બર્થ ત્રણ નથી જોઈ! અને છેલ્લી ઘડીએ જેની ટીકીટ કન્ફર્મ થાય એના લમણે સામાન્ય રીતે આ સાઈડબર્થ જ લખાય છે! આ સિવાયની પણ નામને સાર્થક કરતી બીજી ઘણી અજાયબી હતી જેમકે ટીટી ચાર પાંચ ડબ્બા વચ્ચે એકજ, ( અમારી બાજુની બર્થ ઉપર એક યુવાન જે ગોવા ભણતો હતો એણે કહ્યું છે હું આજ સુધી ઘણી વાર આ ગાડીમાં ગોવા ગયો છું પણ હજુ સુધી ટીટી નામનું પ્રાણી જોયું નથી!) વળી રાત્રે ઓઢવા માટેની કંબલ (જે દર્દીને ટોપી સુંઘાડવાની અવેજીમાં ચાલે એવા હતા) અને ઓશીકાં ભાડે મળતાં હતાં જે પેસેન્જરોના પ્રમાણમાં ઘણાં ઓછાં હતા, અને જો પેન્ટ્રીકાર આ ગાડીમાં હોય તો એને ફાઇવસ્ટાર લકઝરી જ માની શકાય!
                ટ્રેનનો ઉપડવાનો સમય સાંજના પાંચનો પણ એમાંયે ગરીબી બતાવીને એક કલાક મોડી ઉપડી. રાત પડી બધાં પોતપોતાની બર્થ ઉપર ગોઠવાયાં ને જ્યાં ઊંઘ આવવાની થઈ ત્યાં બાજુની બર્થ ઉપરથી એક દોઢ બે વરસના ટેણીયાએ ભેંકડો તાણ્યો, મમ્મી કેટલું પટાવે પણ કોઇ વાતે નમતું ના આપે, “બાબા...બાબા...” કરીને રડ્યેજ રાખે! આમ અડધી કલાક ચાલ્યું પછી બાજુની બર્થ ઉપર લાંબા થયેલા એના પિતાશ્રીને એની (અને અમારી પણ!) દયા આવી એટલે બાળક ને પોતાની પાસે લીધો, ને પરિણામ ફક્ત એટલું  જ આવ્યું કે એ અમારી નિન્દ્રાના દુશ્મને પોતાનો સૂર બદલ્યો અને હવે “માં...” નો રાગ આલાપતાં રડવાનું ચાલુ રાખ્યું! ત્યારે અમને એના દરદનું કારણ પકડાયું, હકીકત જાણે એમ હતી કે એને ઘરે રોજ જે રીતે એક પથારીમાં મમ્મી-પપ્પા સાથે સુવાની ટેવ હતી એ જ અહીં જોઈતું હતું! (જે અહીં ટ્રેનની બર્થ ઉપર કોઈ પણ રીતે સંભવ નહોતું!)
                છેવટે એ બાળક કંટાળીને સુઈ ગયો અને અમે પણ. પરંતુ આ ગરીબરથનો હજુ સૌથી ખતરનાક અનુભવ તો હજુ રાત્રે ઊંઘમાં થવાનો હતો એની ત્યારે ક્યાં ખબર હતી!


ગંગાજળ
અમે ગુજરાતીઓ વિશ્વની એકમાત્ર એવી પ્રજાતિ છીએ જે બપોરનું ભરપેટ લંચ કર્યા પછી પણ સાંજે ’બ્રેક્ફાસ્ટ’ કરી શકીએ છીએ! (ગિનેસબુક, સાંભળો છો?)

Thursday, November 10, 2011

BSNL કસ્ટમર કેર...who cares?ભારતની અંદર સૌથી વધુ માળખાકિય સુવિધાઓ ધરાવતી અને સૌથી વ્યાપક માળખું ધરાવતી દૂરસંચાર કંપની કઈ? સૌથી થી જૂની દૂર સંચાર કંપની કઈ? એક ગ્રાહકની સામે રેશિઓ મુજબ સૌથી વધારે કર્મચારીઓ ધરાવતી દૂરસંચાર કંપની કઈ? આ બધા જ સવાલો નો જવાબ સાવ સહેલો છે, તાજું જન્મેલું બચ્ચું પણ કહી શકે કે બીએસએનએલ. તો ચાલો વધુ એક સવાલ, માર્ચ ૨૦૧૧ના આંકડાઓ મુજબ ભારતમાં સૌથી વધુ માર્કેટ શેર ધરાવતી દૂર સંચાર કંપની કઈ? તમે કહેશો કે કેવો વાહિયાત અને બેતુકો સવાલ છે? ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં લેતાં સિમ્પલ લોજીક છે. કોઇ પણ (હજુ જન્મ્યું નથીએ એવું બચ્ચું) પણ કહી શકે કે બીએસએનએલ!

  ઠહેરો...અને હવે નીચે આપેલા ફીગર પર એક નજર નાખો,

Sl. No   .Name of Company    Total Sub Figures    Additions in Aug      %Market Share
1            Bharti Airtel             171,846,824        1,150,298                         28.09%
2            Vodafone Essar          144,144,031      1,133,024                       23.56%
3            IDEA                             98,441,714       2,330,239                      16.09%
4            BSNL                             90,622,219          388,057                      14.81%        તમામ સીધાં સાદા લોજીકને તોફોડીને આવો જાદુ કરવાની તાકાત, માત્ર એ ઓર્ગેનાઈઝેશન જ કરી શકે છે જે કાં તો સરકારી હોય, અર્ધ સરકારી હોય કે પછી પહેલાં સરકારી હોવાની જાહોજલાલી ભોગવી ચૂક્યું હોય!

       બધાથી શ્રેષ્ઠ સવલતો અને સરકારનું પીઠબળ હોવા છતાં પહેલો નંબર છોડીને છેક ચોથા નંબરે રહેવું હોય તો એના માટે કેટલી બધ્ધી મહેનત કરવી પડે છે એ અંગેના મારાં નિરીક્ષણ હું અહીં શેર કરૂં છું અને અન્ય બીએસએનએલ ગ્રાહકોને પોતાના અનુભવ શેર કરવા માટે આમંત્રણ આપું છું.

    આશરે ચારેક મહિના પહેલાં MNP લાભ (કે ગેરલાભ?) લઈને બંદા Videocon માંથી BSNL સાથે જોડાયા, Videocon શા માટે છોડ્યું એની કહાણી વળી ઔર રસપ્રદ છે, અવેલેબલ બધી જ કંપનીના ટેરીફ પ્લાનની સરખામણી કરતાં, Videocon લગભગ બધા જ કરતાં સસ્તું..રૂપિયા ૧૪૮ માં મહિનોભર રોજનો એક કલાક મફત વાપરવાની બાદશાહી, પણ બાદશાહી ભોગવવી પડે ગુલામની જેમ કેમકે કંપની નું નેટવર્ક પ્રકૃતિપ્રેમી એટલે આખાયે શહેરમાં ચાર દિવાલોની વચ્ચે હંમેશા બંડ પોકારે! શિયાળની કડકડતી ઠંડી હોય, ઉનાળાઅનો ધોમ તડકો હોય કે પછી વરસતો વરસાદ, જો તમને ફોનમાં વાત કરવાની ગરજ હોય તો દિવાલો અને છાપરાંની કેદમાંથી મુક્ત થાવ ને આકાશ નીચે આવો!

      એમ આવી ગયા BSNLમાં, જે દિવસે સર્વિસ ચાલુ થઈ એ સાંજે BSNL ના કસ્ટમર કેરમાંથી ફોન આવ્યો અને સામે છેડે રહેલા ભાઇએ પ્રેમથી પૂછ્યું છે “ સર આપ BSNL માં શા માટે જોડાયા?” મેં સહેજ ચિડાઇને કહ્યું કે “આગલી કંપનીના નેટવર્કથી સંતોષ નહોતો એટલે મારે એને છોડીને ક્યાંક જવું હતું એટલે તમારા શરણે આવી ગયો છું, બાકી તો આગળ અનુભવે ખબર પડે!” હવે આજે આટલા વખતના અનુભવ પછી મને લાગે છે કે તે દિવસે હું એ ભાઇ ઉપર ખોટો ચિડાઈ ગયો હતો, મને ચિંતન કર્યા પછી એવું લાગે છે કે એ ભાઇ તો મારા શુભચિંતક હતા અને એમનો એ દિવસનો પ્રશ્ન એ પશ્ન નહોતો પણ આડકતરી રીતે ચેતવણી હતી! અને કદાચ સહાનુભૂતી પણ ખરી! પછી ત્રણ ચાર મહિના રગડ ધગડ ચાલ્યું ને અચાનક ૧૪મી ઓકટોબરની સવારે કોલ કરવાની કોશીશ કરીતો સામેથી ફોનમાં એક  બેન મીઠા મધ જેવા અવાજમાં આ મતલબનું બોલ્યા છે “તમારા ખાતાંમાં બેલેન્સ નથી એટલે તમે ફોન નહીં કરે શકો...” અહો આશ્ચર્યમ! હજુ હમણાં જ ટોપ અપ કરાવ્યૂં હતું, કેમ થયું હશે? બેલેન્સ ચેક કરવાની સુવિધા વડે ચેક કરતાં બીજો આંચકો લાગ્યો કે બેલેન્સ તો ૨૪૦ જેવું માતબર છે! એટલે કસ્ટમર કેરમાં  ફોન કર્યો, એક થાકેલા કંટાળેલા અવાજમાં સાંભળવા મળ્યું “ બોલો....” ( આ મને અહીં મોટાભાગે થયેલો અનુભવ છે કે કસ્ટમર કેર માં ફોન કરીએ એટલે ટોન લગભગ એવોજ હોય કે આ ક્યાંથી ટાણા વિનો નો હેરાન કરવા માટે આવી ગયો અને ક્યારે લાઈન ઉપરથી ટળે!)  મેં એમને મારી મુશ્કેલી સમજાવી એટલે એ ભાઇએ કહ્યું કે એક વાર ફોન ને સ્વીચઓફ કરીને સ્વીચઓન કરો એટલે થઈ જશે, કરી જોયું પણ આઉટગોઈંગ કરતી વખતે વચમાં જે ઓલ્યાં બેન આવી જાતાં તાં એ ના ગયાં! ફરી પાછું કસ્ટમરનું ચક્કર અને દર વખતે નવાં નવાં સોલ્યુસન... “ તમારાં ડોક્યુમેન્ટ ફરીથી જમા કરાવો..તમે જીપીઆરએસ વાપરો છો એટલે આ સમશ્યા છે જીપીઆરએસ બંધ કરી દો” વગેરે..વગેરે..છેવટે ક્ટાળીને મેં કોઈ હિસાબે આઉટગોઇંગ ચાલુ થાય એ માટે જીપીઆરએસ બંધ કરવાનું કહ્યું, અને ત્રણ દિવસ પછી ઓલ્યાં વચમાં આવતાં ’તાં એ બેન ગયાં ને હું ફરીથી ફોનવંતો થયો!

     મજાની વાત હવે આવે છે...એકાદ અઠવાડિયા પછી મને થયું કે જીપીઆરએસ ચાલુ કરી દઉં, એટલે ફરી કસ્ટમર કેર માં ફોન અને કહ્યું કે જીપીઆરએસના સેટિંગ્ઝ મોકલો, સામેથી જરૂરી વિગતો પૂછીને જવાબ મળ્યો કે દશ મિનિટમાં મળી જશે, દસ મિનિટના બદલે કલાક થઈ પણ ના મળ્યાં એટલે ફરી પાછો એજ સીલસીલો કસ્ટમર કેરનો..લગભગ ચારથી પાંચ વાર પણ સેટિંગ્ઝ ના મળ્યાં ને નાજ મળ્યાં! એક વાર તો મેં મઝાક માં કહ્યું કે “તમે સેટિંગ્ઝ મોકલો છો પણ વચ્ચેથી ક્યાંકથી ચોરાઈ જાય છે!” એટલે સામે છેડે રહેલા ભાઇએ સાચું માનીને ભોળા ભાવે કહ્યું  કે “ સર તમારો ફોન હેક થયો લાગે છે!” (BSNL ઝીંદાબાદ!)  છેલ્લા ત્રણ દિવસથી આ જીપીઆરએસ અને કસ્ટમર કેર ની લમણાઝીક ચાલતી હતી એમાં આજે એક જ્ઞાની બેન મળ્યા એમણે મને બે જ્ઞાન આપ્યાં એમાં પહેલું એ કે આઉટ ગોઇંગ બંધ થવા અને જીપીઆરએસને કોઇ જ સંબંધ નથી! અને બીજું મહાજ્ઞાન એ કે તમારા આ નંબર પર એક વાર જીપીઆરએસ ડીએક્ટિવેટ થયા પછી એજ નંબર પર ફરીથી એક્ટિવેટ થાય નહીં! લો કર લો બાત! BSNL ના સ્ટાફના અજ્ઞાન વત્તા મૂર્ખાઇને કારણે હું મારા આ નંબર પર ક્યારેય નેટ વાપરી ના શકું એ ક્યાંનો ન્યાય! એટલે મેં એ બહેન ને પૂછ્યું કે “ તો શું આનો મતલબ એ થાય કે મારે આજ નંબર પર નેટ યુઝ કરવું હોય તો મારી પાસે હવે ફરીથી MNP સિવાય બીજો કોઇ ઉપાય નથી?” એટલે એ બહેને ફરીથી એ જ વાક્ય નું પુનરાવર્તન કર્યું કે ’ તમે આ નંબર પર ક્યારેય હવે જીપીઆરએસ ચાલુ નહીં કરાવી શકો.” (BTW...MNP શું ચાહો તો જહન્નમમાં જાવ!)

     આગળ ઉપર જે કંટાળેલા, થાકેલા, ચિડાયેલા પ્રતિભાવોની વાત કરી છે એમાં ઉમેરો કરૂં તો તમે થોડો પ્રશ્નોનો સીલસીલો વધુ ચલાવો  તો BSNL ના કસ્ટમરકેર(!) પ્રતિનીધીઓ ધીરજ ગુમાવીને ગુસ્સે પણ થઈ જાય છે. (કોઇને ખાતરી કરવી હોય તો કોશીશ કરી જો જો!)

    આ સિવાય, ક્યાંય લોકલ BSNL ઓફિસમાં કોઈ પણ કામ માટે જઈએ (પછી ભલેને તમે નવું કનેક્શન લેવા માટે કેમ ના જતા હોવ) એજ ઉતરી ગયેલા, ચીમળાયેલા ચહેરાઓ તમારૂં એ ભાવ સાથે સ્વાગત કરે છે કે માંડ શાંતિથી બેઠા હતા ને આ ક્યાં હેરાન કરવા આવી ગયો! હમણાં નો જ એક અનુંભવ કહું, એક નવું પ્રિપેઈડ લેવા માટે ગયો, ફોર્મ અને ડોક્યુમેન્ટ જમા કરાવ્યા અને એટલે સાહેબે મંથર ગતિએ આગળની વિધી પતાવીને એક સીમ કાર્ડ આપ્યું ને મારાથી પૂછવાની ગુસ્તાખી થઈ ગઈ કે સાહેબ નંબરમાં કોઈ સિલેક્શન, ઓપ્શન મળશે? અને જાણે મેં એમની બન્ને કિડની માગી લીધી હોય એમ મારી સામે જોઇને ( કર્ટસી: રાજકુમાર હીરાણી) બહુ સખ્ત રીતે જવાબ દીધો કે જે પ્રમાણે સિરિયલ નંબર મુજબ કાર્ડ મળતું હશે એમ મળશે!

     બીજો એક અનુભવ એક વખત બેતાલીસનું રિચાર્જ કરાવવાનુ હતું ને પચાસની નોટ કાઢી એટલે સાહેબે મોઢું બગાડીને કહ્યૂં છુટ્ટા આપો. મેં ક્હ્યૂં કે સાહેબ હં અત્યારે બહાર કયાં છુટ્ટા શોધવા જાઉં, ગલ્લામં જુઓને હશે, એટલે તાડૂકીને “ખોટો ટાઇમ ના બગાડો છુટ્ટા હોય તો જ આવો! “ ને પછી થોડી વાર પછી અચાનક નરમ થઇને સલાહ આપી “ જાવ બહાર પાનના ગલ્લા વાળો રિચાર્જ કુપન રાખે છે એની પાસે કરાવી લો, એની પાસે છુટ્ટા હશે...”
મેં BSNL ઓફિસની બહાર ૫૦ મીટરના અંતરે આવેલ પાનના ગલ્લે રિચાર્જ કરાવી લીધું અને એ પૂછવાનું જરૂરી ના લાગ્યું કે એની અને પેલા સાહેબની વચ્ચે શું ગોઠવણ હતી!

     BSNL નો એક મોટામાં મોટો પ્લસ પોઈટ એ છેકે એ છેક છેવાડાના ગામડા સુધી, જ્યાં કોઈ ખાનગી કંપની સેવા આપવા તૈયાર નથી ( કેમ કે ત્યાં મલાઈ નથી દેખાતી) ત્યાં તાત્કાલિક કમાણીની અપેક્ષા છોડીને સુવિધા પહોંચાડે  છે, પણ સામે ઘણા લોકોનો અનુભવ એવો પણ છે કે બધું જ એકદમ સરસ અને વ્યવસ્થિત ચાલતું હોય, ગ્રાહકોનો વ્યવસ્થિત બેઇઝ બની ગયો હોય એ જોઇને કોઇ ખાનગી કંપની ને લાળ પડવા માંડે અને એ જેવું ત્યાં પોતાનું માળખું લૉંચ કરે એવુ ચમત્કારીક રીતે અત્યાર સુધી સરસ ચાલતું BSNLનું નેટવર્ક નબળું પડી જાય!
( આમ આદમીની જબાન માં કહું તો ટાવર પકડાય નહી!) હવે આ ચમત્કારનું રહસ્ય તો ઉપરના સાહેબો ને જ ખબર હોય!

     ઠીક છે,  જે હોય તે, પણ મારી પાસે તો MNP સિવાય કોઇ જ ઈલાજ નથી, ૧૯૦૦ ઉપર એસએમએસ કરી દીધો છે અને યુનિક કોડ પણ આવી ગયો છે, પણ ક્યાં જાવું એ હજુ નક્કી નથી, તમારા ધ્યાનમાં કોઇ ઓછો કાળો કાગડો હોય તો કહેજો!
Saturday, 29 October 2011

હે...’માં’ પરચાવાળી...!


આજે નવલા નોરતાનો ત્રીજો દિવસ, શેરીની બેનુ દિકરીયું બધાય ઝમકુમાને ઘેરી વળ્યા ને કે કે માજી આજે તો તમારે વાર્તા કહેવી જ પડશે..ઝમકુ મા કે કે ભલે આજે આ નોરતાના સપરમા દા’ડા છે તો હું તમને એક હાજરા હાજૂર માતાજી અને એના પરચાની વાર્તા કહું છું..તો સાંભળો…
    ’એકવાર એક ગામમાં ધોળે દી’એ ધાડ પડી, લૂંટારાઓએ સારો એવો માલ લૂંટી લીધો ને ભાગ્યા, ગામવાળા તો બચ્ચાડા વામકુક્ષી કરતા’તા એટલે ત્યારે તો ખબર ના પડી પણ ગામના કેટલાક પંચાતિયા (એટલે કે પત્રકારો!) જે આખો દા’ડો ચોરે આવેલ ઓટલે બેસીને ચોવટ કરતા રે’તાતા એમાંના કો’ક ને આ ખબર પડી, એટલે ગામના ચોકમાં જઈને ગોકીરો કરી મેલ્યો…પણ ગામ જેનું નામ! એમ કંઇ જાગે? કેટલીયે હોહા કરી તંઇ અરધા-પરધા ગામ વાળાની અરધી પરધી આંખ્ય ઉઘડી ને ઘરની બાર્ય નિકળ્યા. પણ ત્યાં લગીમાં તો લૂંટારા બે ખેરતવા છેટે, ’માં’ ના મંદિરે જઈ ભગત બાપાની ઓરડીના વાડામાં ખાડો ખોદીને માલ સંતાડી દીધો, આ બધો ખખડાટ થ્યો એટલે ’માં’ ના મંદિરના ઓટલે બેસીને ’માં’ ના નામની માળા ફેરવતા ભગત બાપાએ ઝીણી આંખ્ય કરીને બધું જોયું, મનમાં તો થ્યું કે બે બોલ કઉં, પણ પછી થ્યું કે છો’ને બચ્ચાડા ઈ પણ તો ’માં’ ના ભગત જ છે ને! ને વળી જે કંઈ લાવ્યા હશે એમાંથી ’માં’ ને પણ નિવેદ ધરવાના તો છે જ! હું કંઇ કઉં ને વળી ’માતાજી’ નારાજ થઈ જાય તો!
     આ બાજુ જે અરધા-પરધા જે અરધું-પરધું જાગ્યા’તા ( બાકીના હતા એને તો ’માતાજી’માં પૂરી સરધા, એટલે માતાજી જે કરે ઈ હારા હાટુ એમ માનીને પંચાતીયાવ ને ગાળ્યું દેતા’તા કે તમે અમને સુવા દેતા નથ્ય ને ખોટેખોટા ’માં’ ને બદનામ કરો છ?) ઈ ને ઓલ્યા પંચાતીયા બધાય હુડુડુડુ કરતા હડી કાઢીને મંદીરે આવ્યા ને ભગત બાપા આગળ કકળાટ કરી મેલ્યો, પણ ભગત બાપા જેનું નામ! સમતાનો મેરૂ પર્વત! ’માં’ના હાડોહાડ ભગત! ભગત બાપા હળવે દઈને માળા હેઠી મૂકી પછી ઓરડીમાં જઈને પટારો ખોલીને બધાને બતાવ્યો કે  ભાઇ જોઇ લ્યો આ બધાં મારાં લૂગડાં…આમાં એકેયમાં તમને રાઈના દાણા જેટલો પણ ડાઘ દેખાય તો ક્યો?
     ગામવાળા તો બચ્ચાડા ઓઝપાઇ ગ્યા કે આતો આપણે પાપમાં પડ્યા બચ્ચાડા ભગત જેવા ભગત ઉપર શંકા કરીને! નખ્ખોદ જાય એ મૂવા પંચાતીયાવનું! ખોટી આપણી નિંદર બગાડી! ઘરે આવીને ગામવાળા પાછા સુઈ ગ્યા.
    પણ પંચાતીયાવ જેનું નામ, ઈ એમ સુધરે! એમાંના એક જણે મંદિરની વંડી આડે સંતાઈ ને જોયું તો કાં’ક ડખો થાતો હોય એવું લાગ્યું. એણે ઇશારો કરીને બીજા ને બોલાવ્યા, ને જોયું તો લૂંટના માલનો ભાગ પાડવામાં બે જણ ની વચાળે ચડભડ થાતી’તી. પંચાતીયાઓએ ગામ વાળાને પાછા બોલાવ્યા અને કીધું કે જો અમે કે’તાતા ને કે તમારો લૂંટ નો માલ ને ગુનેગાર બધું આંયાં  જ છે!
     ભગત બાપાએ ઓલ્યા બે જણ જે ચડભડ કરતા’તા ને બઊ સમજાવ્યા…કે મૂંગા મરો…ગામમાં આપણી આબરૂ જાય છે, આપણે ઊઘાડા પડીએ છીએ, પણ કોઇ વાતે નો સમજે…પછે તો ભગત બાપા બેયને કાન પકડી, અંદર ’માતાજી’ ના ચરણો માં લઈ ગ્યા…પણ જેને ’માં’ કેવાય..એના તો પરચા જુગ જુગ થી જાણીતા, અંદર મંદિરમાં ’માં’ એ કોણ જાણે કેવો પરચો દેખાડ્યો કે થોડીક વારમાં ઇ બેય જણ એકાબીજાના ગળામાં હાથ નાખીને, એકબીજાને બચ્ચીઓ ભરતા ભરતા બાર નિકળ્યા!
     ઇ જોઈને ’માં’ ના બીજા ભક્તો અને ભગત બાપાના ચેલાઓએ પંચાતીયાવ ને કીધું કે જોઇ લ્યો તમારે જોવું હોય તો, આયાં કોઇ જાત નો ડખો નથી, તો હવે પંચાત મેલો ને બીજા કામે લાગો!
     આ સાંભળીને ગામવાળાતો ઘરે પાછા આવી ગ્યા પણ એમાં ના કેટલાક  હજુ માથું ખંજવાળતા ખંજવાળતા વિચાર કરે છ કે માળું બેટું આ ઇ બે ને ડખો થ્યો ઇ સાચું…બેય ને પાછું સમાધાન થ્યું ઇ સાચું…બેય એકાબીજાને ગળે હાથ નાખીને બચ્ચીઓ ભરતા’તા ઇ સાચું…પણ ઇ બધી વાતમાં આપણી ફરિયાદ એ બેયના ડખ્ખાની હતી કે આપણે લૂંટાણા એની હતી!”
     આમ આ માતાજીની વારતા પૂરી કરીને ઝમકુમાં બોલ્યાં કે આ કળજૂગમાં જે સાચા ભાવથી ’માતા્જી’ની ભક્તિ કરે છે એનાં ગમે એવાં કાળા કામા હોય તોય એનાં કલંક ધોવાઇ જાય છે, તો ’માતાજી’ ભગત બાપાને ને લૂંટારાવ ને જવાં ફળ્યાં એવા સૌને ફળજો! ( આટલુ સાંભળી શ્રોતામાં બેઠેલો એક પંચાતીયાનો છોકરો ધીમેથી ગણગણ્યો, “ગામનું ભલું ઈચ્છતાં હોવ તો ગામ માંથી ટળજો!”)
 Friday, 30 September 2011

Cannibal


“ અબે સાલે….તેરી તો….ઇતની દેર? વિસ્કી લાને અમરીકા ગયા થા કી યુરોપ?...” અને એક પ્રચંડ ગાળ સાથે ગ્લાસ જમીન પર પછડાઇને ટૂકડા ટૂકડામાં વિખેરાઇ ગયો. સપના બારના બધા વેઇટરોના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું અને કામમાં હોવાનો ડોળ કરતા બધા આઘાપાછા થઈ ગયા. કાઉન્ટર ઉપરથી મેનેજર જગજીત ઉર્ફે જગ્ગી દોડતો આવ્યો અને ધ્રૂજતો ધ્રૂજતો બે હાથ જોડીને અસ્લમભાઇને સામે ઊભો રહ્યો, બીજા ગ્રાહકો હવે શું બને છે ની ઉત્સુકતા સાથે એ ખૂણાના ટેબલ બાજુ નજર માંડીને બેઠા.

ગ્રાન્ટરોડ સ્ટેશનથી દોઢેક કીલોમીટરના અંતરે બદનામ બસ્તીથી નજીક આવેલ સપના બાર, અને એ ’સી’ ગ્રેડના સપના બારના પશ્ચિમ બાજુના ખૂણામાં આવેલું ટેબલ એ અસ્લમભાઇની રોજની બેઠક હતી. સાંજે સાત થી દશ સુધી અસ્લમભાઇનો તમામ કારોબાર અહીંથી જ ચાલતો. સાંજે સાડા છ વાગ્યા પછી કોઇ પણ ગ્રાહક એ ટેબલ પર ન બેસે એની જગજીત ખાસ કાળજી રાખતો અને જો કોઇ ગ્રાહક એ ટેબલનો આગ્રહ રાખે તો સાત પહેલાં કોઇપણ સંજોગોમા ખાલી કરી આપવાની શરત સાથે એ ટેબલ આપવામાં આવતું; કેમકે સાતથી સવા સાતની વચ્ચે ગમે ત્યારે અસ્લમભાઇ અને એના ટપોરીઓ ગણપત અને અબ્દુલની બારમાં દરરોજ અચૂક એન્ટ્રી થતી, એની એન્ટ્રી થતાં જ બાર મેનેજર જગ્ગી અને બધા જ વેઇટર એટેન્શનમાં આવી જતા. અસ્લમભાઇ અને એના રાહુ-કેતુ પોતાના ખાસ ટેબલ ઉપર ગોઠવાતા અને મોબાઇલ ઉપર ધંધાની શરૂઆત થતી, એ દરમ્યાન વધુમાં વધુ દશ જ મિનિટમાં અસ્લમભાઇના ટેબલ ઉપર એની પસંદગીની વિસ્કી અને બાઇટીંગ વગર ઓર્ડરે હાજર થઈ જવાં જ જોઇએ એવો વણલખ્યો કાનૂન હતો, અને એ કાનૂન જો તૂટે તો શું થાય એનો મેનેજર જગ્ગી અને જૂના વેઇટરોને અનુભવ હતો પણ શકૂર બિચારો આજ સવારથી નોકરી પર લાગેલો અને અસ્લમભાઇના ટેબલ સુધી વિસ્કી લઇને જતાં વચ્ચે એક ગ્રાહકનું ટેબલ સાફ કરવા રોકાયો અને દશને બદલે પંદર મિનિટ થઈ ગઇ, બસ ખલ્લાસ….અસ્લમભાઇ નામના ગેંડાનો પિત્તો છટકી ગયો!

આમતો અસ્લમભાઇને ગેંડા કે પછી કોઇ પણ પ્રાણીની ઉપમા આપવામાં આવે તો સમસ્ત પ્રાણી જગત બદનક્ષીનો દાવે માંડે એવું એનું ચરિત્ર હતું. નરાધમ કે નરરાક્ષશ શબ્દો પણ એના માટે વાપવરવામાં આવે તો એનું સન્માન કર્યુ હોય એટલા ટૂંકા પડતા હતા! સાડાપાંચથી પોણા છ ફૂટ વચ્ચેની ઊંચાઇ ને કદાચ એક્સો-એકસો દશ કીલો જેટલું વજન, અંધારામાં સામો મળે તો એકલા દાંત જ દેખાય એટલો ઉજળો વાન! ચહેરા, હાથના કાંડા અને ખભા પર ઘાવના નિશાન ( અને એ નિશાન એ પોતાના સાથીઓને અવારનવાર એટલા ગૌરવથી બતાવતો જેમ કોઇ લશ્કરનો જવાન પોતાની છાતી ઉપરના મેડલ બતાવતો હોય!) અને આવું અદોદળું શરીર હોવા છતાં એમાં રહેલી ચિત્તા જેવી ચપળતા. સામાન્ય માણસનું હોય એના કરતાં થોડું મોટું માથું અને એમાં ઠસોઠસ ભરેલી નિર્દયતા અને ખંધાઇ. પૈસાના બદલામાં કોઇ પણ પ્રકારનું કામ કરવાનો અસ્લમભાઇને છોછ નહોતો અને માણસ મારવો એ મચ્છર મારવા જેટલું એને માટે સહજ હતું, ને હાથમાં લીધેલું કામ પુરું કરવામાં એવો તો પાક્કો હતો કે સુપારીની દુનિયામાં અસ્લમભાઇના નામની કસમો ખવાતી!

“ માફ કરદો ભાઇ….નયા લડકા હે, આજસે હી કામ પે લગા હે ઔર આપકો પહચાનતા નહીં હે….અબે સાલે….મેરા મુંહ ક્યા તકતા હે….ભાઇ કે પૈર પકડલે…” ને જગ્ગીએ જોરથી ધક્કો મારી શકૂરને અસ્લમભાઇના પગમાં ફેંક્યો.

“ઉસકી તો….નયા હે તો ક્યા અપુન કે સર પે બિઠાઉં…સા…”આખેઆખ્ખો અપશબ્દકોશ ઠાલવતાં અસ્લમભાઇએ પગમાં પડેલા થર થર ધ્રૂજતા શકૂરને મારવા માટે લાત ઉગામી, ત્યાં…
“સલામ માલેકૂમ, અસ્લમભાઇ….કૈસે હો?” બોલતાં શેટ્ટી બારમાં દાખલ થયો અને અસ્લમભાઇના ટેબલ તરફ આગળ વધ્યો. શકૂરનું કિસ્મત આજે જોર કરતું હતું અને એટલેજ બરાબર મોકે શેટ્ટી એના માટે ફરિસ્તો બનીને આવ્યો.

શેટ્ટી જ્યારે પણ આવતો ત્યારે કોઇ મોટા શિકારની ઓફર લઈને જ આવતો અને એટલે જ અસ્લમભાઇ શેટ્ટીને ખાસ મહત્વ આપતા.

“ અરે આજા શેટ્ટી આજા…બોત દિનો કે બાત દિખરેલા હે…સાલા તુ તો આજકલ…વો ક્યા બોલતે હે…હાં, ઇદ કા ચાંદ બન ગયેલા હે..” અસ્લમભાઇનો મૂડ અચાનક બદલી ગયો; “ બોલ આજ કીસકી કયામતકા પેગામ લેકે આયેલા હે? અચ્છા પહેલે યે બતા ક્યા પિયેંગા? અરે જગ્ગી અપુનકા યાર આયેલા હે, ઉસકો કુછ વિસ્કી , રમ,વોડકા જો કુછભી મંગતા હે પિલા…”

“આજ કુછ પિનેકા નહીં હે ભાઇ, બહોત જલદી મેં હું, ધંધે કી બાત કર લે?” ખાલી ખુરશીમાં ગોઠવાતાં શેટ્ટી બોલ્યો.

“ સાલે જબભી દેખો તો એસે જલદી મે રહેતા હે જૈસે તેરે પીછવાડેમેં આગ લગેલી હો…ઠીક હે બોલ ક્યા બાત કર રહા થા?”

“ભાઇ એક બોત બડા મુર્ગા હાથ લગેલા હે, કામ કર દેંગે તો બોત માલ મીલેંગા…”

“ અબે સાલે તેરી યે ઘુમાકે બાત કરનેકી આદત ગઈ નહીં…પહેલે તુ બતાયેગા તો પતા ચલેના કી કામ ક્યા હે ઓર તબ જાકે માલ મીલેગા...સીધા મેન પોંઇટ આ, કીસકા ગેમ બજાનેકા હે?”

“ભાઇ કોઇ ઇજનેર હે પટવારી નામકા, વો સાઇન નહીં કરતા ઇસકી વજહ સે આહુજા બિલ્ડર કા દો ખોખા ફસેલા હે, પટવારી સાલા બોત ટેઢી ખીર હે…વો સાલા સમજને કો તૈયાર હી નહીં કી કંટ્રક્શન કે બીજનેસ મેં થોડા બોત તો ઇધર ઉધર કરના પડતા હે તબ જાકે દો પેસા મીલતા હે, ઔર ઇસકી વજે સે આહુજા કા દો ખોખા પીછલે છે-સાત મહીનેસે ફ્સેલા હે…આહુજા બોલતા હે કી અગર ઉસકો ઉડા દિયા તો ઉસકી જગહ જો આયેગા વો ઉસકા આદમી હે ઔર કામ બન જાયેગા…”

“ અરે બસ ઇતની સી બાત હે….જા બોલ દે આહુજા કો, એક હપ્તે મેં કામ હો જાયેગા, અસ્લમભાઇ કી જબાન હે, લેકીન ઉસકો બતા દેના કી પચ્ચીસ પેટી લગેગી…દશ પેટી એડવાંસ મેં બાકી કામ કે બાદ…”

“ પચ્ચીસ પેટી ભાઇ?” શેટ્ટીથી રાડ પડાઇ ગઈ,”જ્યાદા નહીં હે ભાઇ? વો આહુજા તો પંદ્રહ કા બોલ રહા થા…”

“ અબે સાલે…” અસ્લમભાઇના મોઢામાંથી એક વધુ ગંદી ગાળ નીકળી,” યે અસ્લમભાઇકી જબાન હે કોઇ સબ્જીમંડી નહીં જહાં ભાવ તાલ હોતા હો, સમજા? ઉસકો બોલ અગર પચ્ચીસ હે તો ફાઇનલ…વર્ના જાય ઉસકી….”

“ઠીક હે ભાઇ, ઊંટ પહાડકે નીચે આયેલા હે, માનેગા નહીં તો જાયેગા કહાં…મેં બાત કર લેતા હું, ખુદા હાફીઝ ભાઇ.”

“ખુદા હાફીઝ, તેરા કામ બન ગયા સમઝ.”

      @                                    @                                                         @

“ખબર નહીં શું થવા બેઠું છે આ શહેરનું! માણસની જીંદગીની તો જાણે કોઇ કિંમત જ નથી! ને કાયદો ને વ્યવસ્થા ને પોલિસ ને સરકાર ને આ બધા શબ્દો તો જાણે માત્ર શબ્દકોશમાં જ હોય એવું લાગે છે!”

“ અરે…અરે…મેડમ, આમ સવાર સવારમાં કોના ઉપર વરસી રહ્યાં છો? ને આ સરકારે વળી શું બગાડ્યું છે તમારૂં અત્યારના પહોરમાં?”

શહેરના ખ્યાતનામ ગાયનેકોલોજીસ્ટ દંપતિ ડો. તૃપ્તિ અને ડો. તિમિર વચ્ચેના સવારે સાડા સાત વાગે બ્રેકફાસ્ટ ટેબલ પરના આ સંવાદથી જાગી ગયેલો એમનો છ વર્ષનો પુત્ર સિધ્ધાર્થ આંખો ચોળતો ચોળતો પોતાના બેડરૂમમાંથી બહાર આવ્યો.

ડો. તિમિર અને ડો. તૃપ્તિ સામાન્ય રીતે બને છે એમ સાથે જ ભણતાં આંખો લડી ગયેલી અને મન મળી ગયેલાં એટલે પીજી પુરું કર્યા પછી પહેલું કામ પરણવાનું કર્યુ, ને પછી પોતાની હોસ્પીટલ ખોલી સાથે જ પ્રેકટીસ ચાલુ કરી દીધી. આવડત તો હતી જ ને એમાં ભળી બન્નેની મીઠી જબાન અને થોડો સાથ નસીબનો, થોડા સમયમાં તો ’આગમન’ હોસ્પીટલનું નામ થઈ ગયું, ને હોસ્પીટલની સફળતાના ફળ સ્વરૂપ પોશ એરિયામાં ફોર બેડ હોલ કીચન નો બંગલો અને લકઝુરીયસ કાર પણ આવી ગયાં.

“ આ જુઓને વળી પાછું ધોળા દિવસે સરા જાહેર મર્ડર…કોઇ પટવારી નામના એન્જીનીયરને ગુંડાઓ એ એની કારમાં  ઠાર માર્યા…”ડો. તૃપ્તિએ તિમિર તરફ છાપાંનો ઘા કરતાં કહ્યું.

“હેં શું  વાત કરે છે? પટવારી સાહેબનું ખૂન થઈ ગયું? બહુજ સિધ્ધાન્તવાદી માણસ…લાગે છે કે એમને એમની પ્રમાણિકતા જ નડી ગઈ. કોઈએ એમની સોપારી જ આપી હશે…”ડો. તિમિરે છાપાંમાં નજર નાખતાં કહ્યું.

“ ડેડી..ડેડી આ સોપારી આપવી એટલે શું?” ઊંઘરેટી આંખે સિધ્ધાર્થ બોલ્યો.

’જા હવે તું જઈને જલદી બ્રશ કર હમણાં ક્લાસીસનો ટાઇમ થઈ જશે, તારે આવું બધું જાણવાની હમણાં કોઇ જ જરૂર નથી સમજ્યો?” ડો.તૃપ્તિએ આંખો કાઢતાં કહ્યું, ને સિધ્ધાર્થ મોઢું બગાડતો બગાડતો બાથરૂમ બાજુ ગયો.

“ હવે સવાર સવારમાં બિચારા એને શું કામ ખિજાય છે? એનો સવાલ બહુ જ સાહજિક હતો. બાળકની જિજ્ઞાસાવૃત્તિને આ રીતે તોડી ના પડાય…”તિમિરે છાપું સાઇડમાં મુકી ટોસ્ટ ઉપર બટર લગાડતાં કહ્યું.

“બોલ્યા મોટા ઉપાડે…તો શું એને આ ઉંમરે એવું બધું જ્ઞાન આપવાનું કે, બેટા સોપારી એટલે પૈસા લઈને માણસને મારવાનો કોન્ટ્રેક્ટ…”તૃપ્તિએ કટાક્ષ કરતાં કહ્યું ને પછી તિમિરને ઉદ્દેશીને બોલી” શું જમાનો આવ્યો છે! લોકો પૈસા માટે થઈને બીજાની જીંદગી છીનવી લેવા તૈયાર થઈ જાય છે…પૈસા માટે લોકો આ હદ સુધી જઈ શકતા હશે કઈ રીતે?”

“ઓ મેડમ…આ બધી દુનિયાભરની ચિંતા પડતી મેલો ને ઘડિયાળમાં નજર કરો, ક્લીનીક ઉપર પેશન્ટની લાઇન લાગી ગઈ હશે એની ચિંતા કરો…”
@                                                                       @                                                                @

“પપ્પા..પપ્પા…દિકરીને દૂધ પીતી કરી દેવી એટલે શું?”

આઠ વર્ષની દિકરીને મોઢેથી આવો સવાલ સાંભળીને ધર્મેશને આશ્ચર્ય થયું,” કેમ બેટા આજે તને અચાનક આવો સવાલ સુઝ્યો?”

“ એતો પપ્પા એવું છે ને કે ગઈ કાલે ક્લાસમાં અમારા બેન એવું કહેતા હતા કે પહેલાના જમાનામાં દિકરીને દૂધ પીતી કરી દેવાનો ક્રૂર રિવાજ હતો. તે હેં પપ્પા, દિકરીને દૂધ પીવડાવે એમાં ખરાબ શું કહેવાય? આ જુઓને મને દૂધ ભાવતું નથી તોય તમે ને મમ્મી રોજ ખિજાઇને પીવડાવો જ છો ને?”

દિકરીની નિર્દોષતા ઉપર ધર્મેશ અને અલકા બન્ને ને ખડખડાટ હસવું આવ્યું. સાડીનો છેડો મોં ઉપર દાબી હસવાનું રોકવાનો પ્રયત્ન કરતાં અલકા બોલી,”લ્યો આપો હવે જવાબ તમારી લાડલીને…આજ કાલ બહુજ અઘરા પ્રશ્નો પૂછવા માંડી છે ને કાંઇ…”

“હાસ્તો વળી જવાબ તો આપવોજ પડશેને મારી નાનકડી આઇન્સ્ટાઇનને!”

ધર્મેશ, અલકા અને ખરેખર સ્વીટ લાગતી નાનકડી સ્વીટી, આ ત્રણેય જણનો ઇશ્વરનેય ઇર્ષા આવે એવો નાનકડો સુખી સંસાર હતો. ધર્મેશ બેંકમાં ઓફિસર હતો અને અલકા એક સુઘડ અને પ્રેમાળ, ઘરરખ્ખુ ગૃહિણી હતી, અને આ જોડાંને પહેલી નજરે જોનાર સૌ કોઇને એમ જ લાગતું કે એમના લવ મેરેજ છે, એ બન્ને સ્પષ્ટતા કરતાં કે અલકા એ ધર્મેશના મમ્મીની પસંદ છે તો પણ સામેવાળા માનવા માટે તૈયાર ન થતા. સ્વીટી ત્રીજા ધોરણમાં  ભણતી હતી અને ખૂબજ શાર્પ હતી, ઘણી વખત એના પ્રશ્નો ધર્મેશ અને અલકાને મુંઝવણમાં મુકી દેતા અને એટલે જ ધર્મેશ એને લાડમાં ’મારી નાનકડી આઇન્સ્ટાઇન’ કહીને સંબોધતો.

“અહીંયા આવ જોઉં બેટા, મારી બાજુમાં બેસ.” સ્વીટી લાડથી ધર્મેશના ઢીંચણ ઉપર માથું ઢાળીને બેસી ગઈ.”કહોને પપ્પા…કે દૂધ પીવડાવવું એમાં ખરાબ શું કહેવાય? ”

“કહું છું બેટા કહું છું” ધર્મેશે વહાલથી એના વાળમાં આંગળાં પસવારતાં કહ્યું“એમાં એવું છેને બેટા…કે પહેલાના જમાનામાં લોકોને દિકરીઓ ગમતી નહોતીને એટલે એ લોકો પોતાને ત્યાં દિકરી જન્મે કે તરતજ એને દૂધ ભરેલા મોટ્ટા વાસણમાં ડૂબાડી દેતા…એને કહેવાય દિકરીને દૂધ પીતી કરી દેવી…”
સ્વીટી એક ઝટકા સાથે બેઠી થઈ ગઈ, “ છી…કેવું ખરાબ કહેવાય…એ લોકો પોતાની જ દિકરી સાથે આવું શી રીતે કરી શકતા હશે?” ને પછી અલકા સામે જોઇને બોલી,” હેં મમ્મી…મારા પપ્પા તો કેટલા સારા છે નહીં? એ આવું કોઇ દિવસ ન કરે…”ને અલકા એની આંખમાં આવેલાં ઝળઝળીયાં ને છુપાવવા કામને બહાને રસોડામાં જતી રહી.

“ અલક…મારું ટિફીન જરા ઝડપથી લાવજે, મારે મોડું થાય છે, આજે સાંજે હું સાડા ચારની આસપાસ આવી જઈશ, તું તૈયાર રહેજે…ડો.તિમિરની એપોઇન્ટમેન્ટ છે યાદ છે ને?”

ને અંદર રસોડામાં અલકા ગમે એટલો પ્રયત્ન કરવા છતાં ચોમાસું ખાળી શકી નહીં.

                      @                                    @                                    @                            @

“તમે હજુ એકવાર વિચારી જુઓ તો સારું, આ મને બરાબર નથી લાગતું” આગમન હોસ્પીટલના વેઇટીંગ રૂમમાં બીજા દર્દીઓની સાથે પોતાના વારાની રાહ જોઇને બેઠેલી અલકાએ દબાતા અવાજે ધર્મેશને કહ્યું.

“ મેં બધું જ વિચારી જોયું છે અને આજે ફરી પાછો બા નો પણ ફોન હતો, આપણે વડિલોની લાગણીનો પણ ખ્યાલ રાખવો જોઇએ કે નહીં ડાર્લિંગ?”

“ પણ બે જ વરસની અંદર ફરીથી એનું એજ…ને ગયા વખતે મને કેટલી તકલીફ પડેલી એતો તમને યાદ હશેજ..”

“ હા ડાર્લિંગ, મને બધું જ બરાબર યાદ છે, પણ એ વાત અને આજના સમયમાં ઘણો ફેર છે. છેલ્લા થોડા સમયમાં ટેકનોલોજી અને વિજ્ઞાને પણ કેટલી પ્રગતિ કરી છે? હવે તો એક જ દિવસમાં બધું જ પતી જાય છે અને રજા પણ મળી જાય છે, આજે તારું ચેક અપ થઈ જાય અને બધું નક્કી થઈ જાય એટલે કાલે સવારે દાખલ થઈ ને સાંજે તો પાછા ઘરે જતા રહેવાનું…”

“ઠીક છે તમે જેમ ઠીક સમજો એમ…હું બીજું તો શું કહું…” અલકાની નજર ધરતી ખોતરવા લાગી.

“અલકાબેન ધર્મેશભાઇ….” રીશેપ્શનીસ્ટે કોર્ટના બેલિફની જેમ પ્રલંબ સૂરે પોકાર પાડ્યો.ધર્મેશ ઊભો થઈને ડોકટરની ચેમ્બર તરફ ચાલ્યો અને અલકા લગભગ એની પાછળ ઘસડાઇ.

“ આવો આવો ધર્મેશભાઇ, કેમ છો? મઝામાં અલકાબેન?” ડો. તિમિરે બન્ને ને આવકારતાં કહ્યું, અલકાએ નિરસતાથી ડોકું ધુણાવ્યું, ધર્મેશે હાથ લંબાવી ડોકટર સાથે શેક હેન્ડ કર્યા ને પછી બન્ને જણ સામેની ખુરસી પર ગોઠવાયાં. થોડી વારમાં ડો. તૃપ્તિએ અલકાને અંદર ના રૂમમાં બોલાવી અને એક્ઝામિનેશન ટેબલ પર લીધી.

“હં…તો પછી તમે શું  નક્કી કર્યું છે ધર્મેશભાઇ?” ડો. તિમિરે ધર્મેશ સામે તાકતાં કહ્યું.
“એમાં વિચારવાનું શું બીજું? કેમકે એક દિકરી તો છેજ એટલે જે કરવાનું છે તે નક્કી જ છે, શક્ય હોય તો આવતી કાલે જ પતાવી નાખીએ…કેટલો ક ખર્ચ થશે?”

“ દવાઓ પણ બધી જ અમે અહીંથી જ આપીએ છીએ એટલે બધું મળીને ચાલીસ હજાર જેવું થશે…”

“ચાલીસ હજાર? આમાં તો બહુ વધારે ન કહેવાય ડોકટર?”

“જુઓ ધર્મેશભાઇ, આજકાલ આ બહુ જ જોખમનું કામ છે, કાયદાઓ તો તમને ખબર છે ને?”

“ તો પણ મારું માન રાખીને કંઇક ઓછું કરો તો સારૂં”

“તમે પણ ધર્મેશભાઇ…શાક માર્કેટ સમજીને ભાવતાલ શરૂ કરી દીધા! ઠીક છે સો-બસ્સો ઓછા આપજો બસ?” ડો. તિમિરે ખડખડાટ હસતાં કહ્યું.

                         @                                        @                                    @

અંદર એક્ઝામિનેશન ટેબલ પર સુતેલી અલકા મનમાં આજે બપોરે સ્વીટીએ પૂછેલા સવાલ ઘુમરાતા હતા.

“મમ્મી Cannibal એટલે શું?”

“બેટા Cannibal એટલે જે પોતાની જ જાતીનો શિકાર કરે છે એવું પ્રાણી.”

ને તુરત જ બીજો સવાલ “ મમ્મી આ Cannibalism ક્યા પ્રાણીમાં સૌથી વધારે જોવા મળે છે?”

કોણ જાણે કેમ બપોરે સ્વીટીને એણે જે જવાબ આપ્યો હતો, એનાથી જુદો જ જવાબ અત્યારે એના મનમાં પડઘાતો હતો.

16 April 2010.